24 October, 2024 02:35 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેલંગણના કરીમનગર જિલ્લામાં પથરીનું ઑપરેશન કરાવવા આવેલા દરદીની ડૉક્ટરે કિડની જ કાઢી લીધી હતી. કિસ્સો ૨૦૦૪ના નવેમ્બરનો છે. કલ્વાશ્રીરામપુર ગામના બૂસા મલ્લેયાહને પેટમાં અસહ્ય દુખાવો થતાં સેવા સંકલ્પ કિડની હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને કિડનીમાં પથરી હોવાનું નિદાન થયું અને ઑપરેશન કરવાનું નક્કી થયું એટલે ડૉ. એસ. રામ ગોપાલે ઑપરેશન કર્યું પણ પથરીને બદલે કિડની કાઢી લીધી હતી. ઑપરેશન પછી બૂસાની તિબયત લથડી એટલે હૈદરાબાદ લઈ જવાયા હતા. ત્યાં નિમ્સ હોસ્પિટલમાં બીજું ઑપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી પણ સ્થિતિ ન સુધરી અને પેટમાં ફરીથી દુખાવો શરૂ થયો એટલે વેન્કટેશ્વર કિડની સેન્ટરમાં લઈ જવાયા. ત્યાં ડૉ. આર. વેન્કેયાહે કહ્યું કે તેમની જમણી કિડની નથી. એ પછી બૂસાએ પોલીસને ફરિયાદ કરી હતી અને જિલ્લા ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. ફોરમે ડૉ. રામ ગોપાલને ૬ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. ચોરી ઉપરથી શિરજોરીની જેમ ડૉક્ટરે ભૂલ સ્વીકારવાને બદલે રાજ્ય ફોરમમાં ચુકાદો પડકાર્યો હતો.