નોએડાનો ઑન્ટ્રપ્રનર સિગારેટનાં ઠૂંઠાંમાંથી બનાવે છે ટેડી બેઅર અને મૉસ્કિટો રેપલન્ટ

24 November, 2024 05:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાન જેટલું નુકસાનકાર છે એટલાં જ જોખમી છે સિગારેટનાં ફેંકી દેવાયેલાં ઠૂંઠાં. વિશ્વમાં દર વર્ષે ૪.૫ ટ્રિલ્યન સિગારેટ-બટ્સ પર્યાવરણને નુકસાન કરવા માટે ફેંકી દેવાતાં હોય છે.

સિગારેટનાં ઠૂંઠાંમાંથી બનાવે છે ટેડી બેઅર

સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાન જેટલું નુકસાનકાર છે એટલાં જ જોખમી છે સિગારેટનાં ફેંકી દેવાયેલાં ઠૂંઠાં. વિશ્વમાં દર વર્ષે ૪.૫ ટ્રિલ્યન સિગારેટ-બટ્સ પર્યાવરણને નુકસાન કરવા માટે ફેંકી દેવાતાં હોય છે. એ બટ્સમાં પ્લાસ્ટિકના રેસા હોય છે અને એક આખો દાયકો વીતી જાય એ પછી એ ડીકમ્પોઝ થતાં હોય છે. એ રેસા ડીકમ્પોઝ થાય પછી પણ એમાં રહેલાં હાનિકારક તત્ત્વો પર્યાવરણને પ્રદૂષિત કરતાં હોય છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં ત્રણમાંથી એક જ સિગારેટ-બટને યોગ્ય રીતે કચરાપેટીમાં નખાતું હોય છે. સિગારેટનાં ઠૂંઠાં આટલાં નુકસાનકારક છે, પણ નોએડાના ઑન્ટ્રપ્રનર નમન ગુપ્તા એને રીસાઇકલ કરીને બાળકો માટે ટેડી બેઅર, ઘરસજાવટની વસ્તુઓ, ઍક્સેસરીઝ, મૂર્તિઓ અને મૉસ્કિટો રેપલન્ટ બનાવે છે. નમન ગુપ્તા અને તેમના ભાઈ વિપુલ ગુપ્તા કોડ એફર્ટ પ્રાઇવેટ લિમિટેડના સહસંસ્થાપક છે. આ બન્ને ભાઈઓ સિગારેટ-બટ્સમાંથી ફાઇબર કાઢવા માટે બાયોડીગ્રેડેબલ ટેક્નિકનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક સેલ્યુલોઝ ઍસિટેટમાંથી આ ફાઇબર બનેલું હોય છે અને એને રીસાઇકલ કરવા માટે ૨૪ કલાકનો સમય લાગતો હોય છે. નમન ગુપ્તા કહે છે કે સિગારેટ-બટ્સ એકઠાં કરવા માટે તેમણે કલેક્શન નેટવર્ક ઊભું કર્યું છે. કંપનીએ નોએડા સિવાય દિલ્હી અને ગુડગાંવમાં પણ બટ્સ-કલેક્શન નેટવર્ક ઊભું કર્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં ૨૫૦ મિલ્યનથી પણ વધુ ઠૂંઠાં રીસાઇકલ કર્યાં છે.

new delhi environment national news news offbeat news