25 January, 2025 09:56 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
પોલીસ સાથે પંગો લેનારા આરોપીઓની ઢોલ-નગારાં સાથે બારાત નીકળી
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં રવિવારે રાતે રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતી વખતે શરાબ પીતા અને શસ્ત્રો લહેરાવતા યુવાનોને અટકાવવા ગયેલા પોલીસો સાથે પંગો કરનારા અને પોલીસનાં વાહનોને તોડનારા સાત આરોપીઓની ગઈ કાલે પોલીસે ઢોલ-નગારાં સાથે બારાત કાઢી હતી. રવિવારે રાતે રીજનલ પાર્કમાં આરોપી શુભમ યુવાનોની ભીડ સાથે જન્મદિવસ ઊજવી રહ્યો હતો. એ સમયે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે યુવાનો શરાબના નશામાં હથિયારો સાથે તોફાન મચાવી રહ્યા છે. એ સમયે પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી તો તેમની ધક્કામુક્કી કરી હતી અને સરકારી વાહનોની તોડફોડ કરી હતી.
પોલીસે મંગળવારે સાત આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમણે ઓળખ છુપાવવા મુંડન કરાવી લીધું હતું. પોલીસ તેમને લઈને રીજનલ પાર્ક ગઈ હતી જ્યાં તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. એ સ્થળે તેમને લઈ જઈને ઢોલ અને નગારાં સાથે સરઘસ કાઢ્યું હતું અને શરમના માર્યા આરોપીઓ લોકોની માફી માગતા રહ્યા હતા. તેઓ શરમના માર્યા માથું ઝુકાવીને કાનબુટ્ટી પકડીને માફી માગતા રહ્યા હતા. પોલીસની કાર્યવાહીનાં લોકોએ વખાણ કર્યાં હતાં અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.