આ કંપનીમાં કમ્પ્યુટર્સ શિફ્ટના કલાકો બાદ ઑટોમૅટિકલી બંધ થઈ જાય છે

17 February, 2023 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વાઇરલ લિન્ક્ડઇન પોસ્ટ અનુસાર જો એમ્પ્લૉઈઝ તેમના શિફ્ટ ટાઇમિંગ કરતાં વધારે સમય સુધી કામ કરે તો અહીં ઑટોમૅટિકલી તેમનાં કમ્પ્યુટર્સ બંધ થઈ જાય છે.

આ કંપનીમાં કમ્પ્યુટર્સ શિફ્ટના કલાકો બાદ ઑટોમૅટિકલી બંધ થઈ જાય છે

અનેક કંપનીઓ એમ્પ્લૉઈઝની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બૅલૅન્સને મહત્ત્વ આપી રહી છે. આવી જ એક કંપની છે સૉફ્ટ ગ્રિડ કમ્પ્યુટર્સ, જે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપની છે. એક વાઇરલ લિન્ક્ડઇન પોસ્ટ અનુસાર જો એમ્પ્લૉઈઝ તેમના શિફ્ટ ટાઇમિંગ કરતાં વધારે સમય સુધી કામ કરે તો અહીં ઑટોમૅટિકલી તેમનાં કમ્પ્યુટર્સ બંધ થઈ જાય છે.

આ કંપનીના એક હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલે તેના ડેસ્ક પરથી તેનો પોતાનો એક ફોટોગ્રાફ શૅર કર્યો છે, જેમાં તેની કમ્પ્યુટર સ્ક્રીન પર એક ‘વૉર્નિંગ’ મેસેજ જોવા મળે છે. આ મેસેજમાં વંચાય છે કે ‘તમારો શિફ્ટ ટાઇમ પૂરો થઈ ગયો છે. ઑફિસની સિસ્ટમ ૧૦ મિનિટમાં બંધ થઈ જશે, પ્લીઝ ઘરે જાઓ.’

પ્રોફેશનલ તન્વી ખંડેલવાલે કહ્યું કે તેની કંપની ફ્લેક્સિબલ અને હૅપી વર્કિંગ એન્વાયર્નમેન્ટને પ્રોત્સાહન આપવામાં માને છે. તેણે કહ્યું કે ‘હું માનું છું કે જો તમે આ પ્રકારના કલ્ચરમાં કામ કરી રહ્યા હો તો તમારો મૂડ ઇમ્પ્રૂવ કરવા માટે તમને મન્ડે મોટિવેશન કે ફન ફ્રાઇડેની જરૂર નહીં પડે.’

ખંડેલવાલની લિન્ક્ડઇન પોસ્ટને ૩.૩ લાખ લાઇક્સ મળી છે. જોકે એને મિક્સ્ડ રીઍક્શન્સ મળ્યાં છે. એક યુઝરે લખ્યું કે ‘ગ્રેટ પહેલ.’ અન્ય એક લિન્ક્ડઇન યુઝરે લખ્યું, ‘મને ચોક્કસ આવી જગ્યાએ કામ કરવું ગમે.’ જોકે અન્ય એક યુઝરે એમ પણ લખ્યું કે ‘આ રિવર્સ સાઇકોલૉજી છે. એનાથી ડેડલાઇન્સને પહોંચી વળવા માટે એમ્પ્લૉઈઝ પર ખૂબ જ પ્રેશર આવશે.’

offbeat news indore madhya pradesh technology news tech news national news