10 March, 2023 02:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઘાયલ સારસ સારવાર બાદ એના તારણહારનો સાથ છોડવા નથી માગતું
ઉત્તર પ્રદેશમાં મોહમ્મદ આરિફ નામનો એક વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને એક ઘાયલ સારસ પક્ષી જોવા મળ્યું હતું. પક્ષીના જમણા પગમાં ઈજા હતી. તૂટેલા પગ સાથે પક્ષીને ઘરે લાવી મોહમ્મદે રાઈના તેલ અને હળદરથી ઘરેલુ ઉપચારથી એની સારવાર કરી હતી. એમાં એને ૬ અઠવાડિયાં લાગ્યાં અને પક્ષી ફરી સ્વસ્થ થયું. જોકે જાણવાલાયક વાત હવે આવે છે.
પોતાના માનવીય તારણહારના હાથે નવજીવન પામ્યા બાદ પક્ષી પાછું પોતાના વસવાટના સ્થળે જતું રહેશે એમ આરિફે માન્યું હતું, પણ સારસ તેના તારણહારને છોડીને જવા તૈયાર નથી અને તેને એકલો છોડવા માગતું નથી. આરિફની જ પ્લેટમાં ખાતું આ સારસ આરિફ તેની મોટરસાઇકલ પર જ્યાં જાય ત્યાં તેની પાછળ ઊડતું રહે છે. આરિફે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આરિફ કહે છે કે ‘મેં પક્ષીને પાંજરામાં નથી મૂક્યું. એ મારી સાથે જ રહે છે.’ સારસ ભારતીય ઉપખંડ સહિત દક્ષિણ એશિયામાં જોવા મળે છે. સારસ પક્ષી માટે કહેવાય છે કે એ હંમેશાં જોડામાં રહે છે અને જો બેમાંથી એક પક્ષી મરી જાય તો બીજું એની પાછળ ઝુરાપો વેઠીને મરણને શરણ થાય છે.