૧૬ વર્ષના ભારતીય બ્રિટિશર યુવાન ઠક્કરને મળી બ્લડ કૅન્સરની દુર્લભ ટ્રીટમેન્ટ

03 April, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

CAR T થેરપીમાં દરદીનું જ લોહી લઈને એમાંથી ચોક્કસ ઇમ્યુન સેલ્સ તૈયાર કરવામાં આવે છે અને ફરીથી એ જ કોષોને શરીરમાં દવા તરીકે દાખલ કરવામાં આવે છે.

યુવાન ઠક્કર

કૅન્સરના દરદીઓ માટે નવી CAR T થેરપી આશાનું કિરણ બની છે. બ્રિટનના વેટફર્ડમાં રહેતો ભારતીય મૂળનો યુવાન ઠક્કર નામનો ટીનેજર લ્યુકેમિયા નામના લોહીના કૅન્સરથી પીડિત હતો જે આ થેરપી મેળવનાર પહેલો બાળક છે જેનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ૧૬ વર્ષના કિશોરને બ્રિટન સરકાર દ્વારા ફન્ડેડ નૅશનલ હેલ્થ સર્વિસના કૅન્સર ડ્રગ ફન્ડ હેઠળ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. યુવાનને ૬ વર્ષની ઉંમરે લ્યુકેમિયાનું નિદાન થયું હતું અને નાની ઉંમરે કીમો થેરપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું હતું છતાં ૧૧ વર્ષની ઉંમરે કૅન્સરે ફરી ઊથલો માર્યો હતો.  યુવાનનું કહેવું છે કે ‘CAR T થેરપી મળ્યા બાદ મારું જીવન બહુ બદલાઈ ગયું છે. હું ગ્રેટ ઓરમન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલનો આભારી છું જેને કારણે આજે હું એ તમામ વસ્તુઓનો આનંદ લઈ શકું છું જે મને પસંદ છે. હું સ્નૂકર કે પૂલ જેવી ગેમ રમી શકું છું, પરિવાર અને મિત્રોને મળી શકું છું અને હૉલિડે પર પણ જઈ શકું છું. જો આ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોત તો મારી સ્થિતિ કેવી હોત એની કલ્પના પણ નથી કરી શકતો.’

CAR T થેરપી શું છે?
CAR T થેરપીમાં દરદીનું જ લોહી લઈને એમાંથી ચોક્કસ ઇમ્યુન સેલ્સ તૈયાર કરવામાં આવે છે અને ફરીથી એ જ કોષોને શરીરમાં દવા તરીકે દાખલ કરવામાં આવે છે. આ તૈયાર કરાયેલા ઇમ્યુન સેલ્સ કૅન્સર સેલ્સને ખતમ કરે કરે છે. આ સેલ થેરપી ભારતમાં સૌપ્રથમ વિકાસ પામી હતી અને થોડા સમય પહેલાં જ આ થેરપીને કારણે ભારતમાં બે દરદીઓ કૅન્સરમુક્ત થયા હતા.

offbeat videos offbeat news social media viral videos united kingdom