દુબઈમાં ભારતીય મહિલા ૧ લાખ રૂપિયામાં વેચે છે ગોલ્ડન ટી

26 November, 2024 03:17 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારતીયોને અમસ્તા જ વેપારી નથી કહેવાતા. ભારતીયો જ્યાં જાય ત્યાં વેપાર-ધંધા તો શરૂ કરતા જ હોય છે પણ ઘણી વાર નવો ચીલો પણ ચાતરતા હોય છે. દુબઈમાં પણ એક ભારતીય મહિલાએ લોકોની આંખ પહોળી થઈ જાય એવો બિઝનેસ શરૂ કર્યો છે.

શુદ્ધ ચાંદીના કપમાં ૨૪ કૅરૅટ સોનાની પત્તી સાથે ચા પીરસવામાં આવે છે અને એની કિંમત ૧ લાખ રૂપિયા

ભારતીયોને અમસ્તા જ વેપારી નથી કહેવાતા. ભારતીયો જ્યાં જાય ત્યાં વેપાર-ધંધા તો શરૂ કરતા જ હોય છે પણ ઘણી વાર નવો ચીલો પણ ચાતરતા હોય છે. દુબઈમાં પણ એક ભારતીય મહિલાએ લોકોની આંખ પહોળી થઈ જાય એવો બિઝનેસ શરૂ કર્યો છે. દુબઈના દુબઈ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સેન્ટર (DIFC)ના એમિરેટ્સ ફાઇનૅન્શિયલ ટાવર્સમાં ભારતીય મૂળનાં સુચેતા શર્માએ ગયા મહિનાથી બોહો કૅફે શરૂ કર્યું છે. કૅફેમાં આવનારા લોકોને ભારતના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખવા મળે છે, પણ ત્યાંનું નજરાણું છે ‘ગોલ્ડન કડક ચા’. શુદ્ધ ચાંદીના કપમાં ૨૪ કૅરૅટ સોનાની પત્તી સાથે ચા પીરસવામાં આવે છે અને એની કિંમત ૧ લાખ રૂપિયા છે. જો આ ચા મોંઘી લાગતી હોય તો ચાંદીના કપને બદલે સાદા કપમાં ગોલ્ડન ચા મગાવશો તો ૩૫૦૦ રૂપિયા જ ચૂકવવા પડશે. એ સિવાય બોહો કૅફેમાં સોનાનું પાણી, સોનાનું બર્ગર અને સોનાનો આઇસક્રીમ પણ મળે છે. અહીં બે પ્રકારના મેનુ વિશે સુચેતા શર્મા કહે છે કે ‘અમે વ્યાપક સમાજની જરૂરિયાતો પૂરી કરવા સાથે ભવ્યતા અને વૈભવની ઇચ્છા રાખનારા લોકોની ઇચ્છાનું પણ ધ્યાન રાખીએ છીએ.’

dubai international news news world news offbeat news