૧૦૦૦ ઈંટ, સિમેન્ટ અને પાઇપથી માણસે દેસી કૂલર બનાવી દીધું

07 June, 2024 02:16 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આ વ્યક્તિએ ૧૦૦૦ ઈંટ અને સિમેન્ટની પાંચ થેલી વડે એવું AC બનાવી નાખ્યું છે કે એની ઠંડી હવા પરંપરાગત ACને પણ ટક્કર આપી શકે છે.

દેસી કૂલર

આ વર્ષે ઉનાળામાં રેકૉર્ડબ્રેક ગરમી પડી રહી છે અને રાતે પણ હવા ગરમ લાગી રહી છે. આવી ભીષણ ગરમીમાં રાહત આપતો એકમાત્ર વિકલ્પ ઍર-કન્ડિશનર (AC) છે. જોકે આ લક્ઝરી દરેક વ્યક્તિને પરવડે એવી નથી. ઘણા લોકો એવા છે જેમને માટે કૂલર કે એસી ખરીદવું સહેલું નથી. એક વ્યક્તિ આમાં અપવાદ છે, કેમ કે તેણે પોતાની સ્માર્ટનેસનો ઉપયોગ કરીને હોમમેડ AC બનાવી નાખ્યું છે. આ વ્યક્તિએ ૧૦૦૦ ઈંટ અને સિમેન્ટની પાંચ થેલી વડે એવું AC બનાવી નાખ્યું છે કે એની ઠંડી હવા પરંપરાગત ACને પણ ટક્કર આપી શકે છે.

આ દેશી કૂલર બનાવવા વ્યક્તિએ ૧૦૦૦ ઈંટ ગોઠવીને બહાર ટોચ પર પાઇપ ગોઠવ્યા છે. આ પદ્ધતિથી રૂમમાં ઠંડી હવા આવે છે અને એમાં ઇલેક્ટ્રિસિટીની કોઈ જરૂર પડતી નથી. આ કૂલરમાં એક પંખો છે અને એક નાનો પમ્પ આખા કૂલરમાં પાણી પહોંચાડે છે. ઈંટો ભીની થઈ જાય એટલે એ આખો દિવસ ઠંડી હવા આપે છે. સિમેન્ટના ઉપયોગને કારણે કૂલરની બૉડીનું પાણી ગરમ થતું નથી. ૩૦૦ લીટરની ક્ષમતા ધરાવતી વૉટર-ટૅન્ક એક વાર ભરાઈ જાય એટલે એને ત્રણ દિવસ સુધી રીફિલ કરવાની જરૂર પડતી નથી. આ કૂલરની ખાસિયત એ છે કે એમાં ઘાસ નથી હોતું અને એની જાળવણી કરવી પણ સહેલી છે. આ વ્યક્તિ વિડિયોમાં કહે છે કે કોઈ AC ફિટ કરવા કરતાં આ ઘણું સસ્તું છે અને એ એટલી જ ઠંડક આપે છે. જોકે એક જણે એવી શંકા વ્યક્ત કરી છે કે આ હવા અશુદ્ધ હોઈ શકે છે.

viral videos national news rajasthan offbeat news