21 January, 2025 12:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ અદ્ભુત પ્રદર્શનમાં ૭ મોટરસાઇકલો પર ૪૦ જવાનોએ ૨૦.૪ ફીટ ઊંચો પિરામિડ બનાવ્યો હતો અને વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી બે કિલોમીટરનું અંતર પાર કર્યું હતું
ઇન્ડિયન આર્મીના ડેરડેવિલ્સે ગઈ કાલે દિલ્હીના કર્તવ્ય પથ પર ચાલતી મોટરબાઇક્સ પર સૌથી ઊંચા માનવ પિરામિડનો વર્લ્ડ રેકૉર્ડ સર્જ્યો હતો. આ અદ્ભુત પ્રદર્શનમાં ૭ મોટરસાઇકલો પર ૪૦ જવાનોએ ૨૦.૪ ફીટ ઊંચો પિરામિડ બનાવ્યો હતો અને વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી બે કિલોમીટરનું અંતર પાર કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત ડેરડેવિલ્સે અત્યાર સુધીમાં ભારતભરમાં ૧૬૦૦થી વધારે મોટરસાઇકલ પ્રદર્શન કર્યાં છે. ડેરડેવિલ્સ આર્મીના કોર ઑફ સિગ્નલ્સ સાથે સંકળાયેલી ઐતિહાસિક ટીમ છે જેણે પોતાના અદ્વિતીય કૌશલ અને પ્રદર્શનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અર્જિત કરી છે. આ રેકૉર્ડ સાથે ટીમ પાસે હવે કુલ ૩૩ વર્લ્ડ રેકૉર્ડ છે જેમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ, એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં તેમનું નામ અંકિત છે.
ડેરડેવિલ્સનાં કરતબો અપરંપાર છે
૨૬ જાન્યુઆરી નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી રિપબ્લિક ડે પરેડના રિહર્સલના ભાગરૂપે ભારતીય સૈન્યના આ ડેરડેવિલ્સે ગઈ કાલે બીજા ઘણા અચંબિત કરી મૂકે એવા સ્ટન્ટ્સ કર્યા હતા.