23 March, 2025 01:56 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
માત્ર પથ્થરથી બન્યો દુનિયાનો પહેલો બંગલો
ભારતમાં સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના માત્ર પથ્થરોમાંથી દુનિયાનો પહેલો આલીશાન મહેલ બૅન્ગલોરમાં તૈયાર કરવામાં આવ્યો છે જેનું આયુષ્ય ૧૦૦થી ૨૦૦ વર્ષ નહીં, પણ હજારો વર્ષનું છે. આ ઘરનો વિડિયો જોઈને ઍક્ટર પરેશ રાવલ પણ શૉક થઈ ગયા હતા. પરેશ રાવલે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નેહા ગુરંગ નામની છોકરીની એક પોસ્ટને શૅર કરી છે જેમાં સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવેલા આ ઘરની ઝલક દર્શાવવામાં આવી છે. આ પોસ્ટના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘ભારત ખરેખર અકલ્પનીય છે, કારણ કે આ ઘર હજારો વર્ષ સુધી ટકી રહેશે. બૅન્ગલોરમાં દુનિયાનું પહેલું ઝીરો સિમેન્ટનું ઘર તૈયાર છે.’ પરેશ રાવલે પણ આ પોસ્ટની કમેન્ટમાં ‘વાઉ, બ્યુટિફુલ’ લખ્યું છે અને તાળીઓની ઇમોજી મૂકી છે.
આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ઘર એક અનોખું ઘર છે જેમાં સિમેન્ટનો જરાપણ ઉપયોગ થયો નથી. આ ઘર ગ્રેનાઇટ સ્ટોનથી તૈયાર થયું છે અને દીવાલો ફેન્સી સૅન્ડસ્ટોનથી તૈયાર કરવામાં આવી છે. આ ઘર બનાવવાનો આઇડિયા કેવી રીતે આવ્યો અને એની પાછળનું મોટિવેશન શું છે એવું પૂછવામાં આવતાં આર્કિટેક્ટે કહ્યું હતું કે આ ઘર નૉન-બ્લાસ્ટિંગ છે એટલે ધમાકાની પણ અસર નહીં થાય, પથ્થરોને ઇન્ટર-લૉક કરીને એ તૈયાર કરવામાં આવ્યું છે અને હજારો વર્ષ ટકી શકશે. આવું આ એક માત્ર ઘર તૈયાર થયું છે જેમાં સિમેન્ટનો જરા પણ ઉપયોગ થયો નથી.