24 December, 2022 11:08 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિકાગોના શેડ ઍક્વેરિયમમાં એક માદા ઝીબ્રા શાર્કે અલૈંગિક પ્રજનનથી ‘વર્જિન બર્થ’ દ્વારા બચ્ચાને જન્મ આપ્યો છે. પાર્થેનોજેનેસિસ અથવા ‘કુંવારી જન્મ’ સામાન્ય રીતે અપૃષ્ઠવંશી (કરોડરજ્જુ ન ધરાવતાં હોય એવાં) પ્રાણીઓમાં થાય છે, જેમાં ગર્ભનો વિકાસ નર સાથે સમાગમ વિના જ થાય છે. શાર્ક પ્રજાતિની માછલીઓમાં નર સાથીની ગેરહાજરીમાં અલૈંગિક પ્રજનન એ છેલ્લો ઉપાય માનવામાં આવતો હતો. આસપાસ પુખ્ત નરની હાજરી છતાં શાર્કે અલૈંગિક પ્રજનનથી બચ્ચાને જન્મ આપ્યો હોય એવો આ બીજો કિસ્સો છે. શિકાગોના શેડ ઍક્વેરિયમમાં માદા શાર્કે વર્જિન જન્મ આપતાં સંશોધકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઍક્વેરિયમમાં બબલ્સના હુલામણા નામે ઓળખાતી આ શાર્કે એની આસપાસ અનેક ઝીબ્રા શાર્કની હાજરી છતાં અલૈંગિક પ્રજનનથી બચ્ચાને જન્મ આપ્યો હતો. જિનેટિક ટેસ્ટિંગ બાદ જાણ થઈ હતી કે બબલ્સ આ બેબીશાર્કની એકમાત્ર પેરન્ટ છે. શાર્ક માછલી અલૈંગિક પ્રજનનથી બચ્ચાના જન્મ માટે જાણીતી છે, પરંપરાગત રીતે સમાગમ માટે ઉપલબ્ધ નરની અછતને કારણે બનતી આ એક દુર્લભ ઘટના છે.