05 December, 2024 02:19 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સમૂહ લગ્નોત્સવ યોજીને લગ્નના તોતિંગ ખર્ચ પર કાપ મૂકવાનું ચલણ વધ્યું છે પણ મેરઠમાં એક નિકાહ યોજાયા એમાં કરોડો રૂપિયાની લહાણી કરવામાં આવી હતી. ચારથી પાંચ સૂટકેસની આપ-લે કરવામાં આવી હતી. મેરઠના NH-58 હાઇવે પાસે એક રિસૉર્ટમાં નિકાહ યોજાયા હતા. એમાં કન્યા પક્ષ તરફથી વરને રોકડા ૨.૫૬ કરોડ રૂપિયા આપ્યાની જાહેરાત થઈ છે. એ સિવાય વરરાજાનાં જૂતાં ચોરવાની હળવી રમૂજી પ્રથા માટે પણ વરની ભાભીઓને ૧૧ લાખ રૂપિયા આપીને જૂતાં પાછાં લેવાયાં હતાં. નિકાહ પઢાવનારા મૌલવીને પણ ૧૧ લાખ રૂપિયા અપાયા હતા. ત્યાંની મસ્જિદમાં પણ ૮ લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની આપ-લેના વિડિયોની પણ સોશ્યલ મીડિયામાં બહુ આપ-લે થઈ રહી છે.