વિશ્વનાં સૌથી સસ્તાં ૧૦ શહેરોની યાદીમાં અમદાવાદ શહેરને આઠમું સ્થાન

02 December, 2023 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું તમને ખબર છે કે વિશ્વમાં રહેવા માટે સૌથી મોંઘું શહેર કયું છે?

અમદાવાદ

ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વિશ્વભરમાં રહેવાના ખર્ચની દૃષ્ટિએ સૌથી મોંઘા શહેરના સર્વે અનુસાર સિંગાપોર અને સ્વિટ્ઝરલૅન્ડનું ઝુરિચ એ રહેવા માટે વિશ્વનાં સૌથી મોંઘાં શહેર છે. રહેવા માટે વિશ્વનાં સૌથી મોંઘાં શહેરના રૅન્કિંગ્સમાં આ બન્ને શહેરો વચ્ચે ટાઈ થઈ છે.
છેલ્લાં ૧૧ વર્ષમાં આ નવમું વર્ષ છે, જ્યારે વિશ્વના સૌથી મોંઘા શહેર તરીકે ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઈઆઇયુ)ના લિસ્ટમાં સિંગાપોરની ગણના થઈ હોય. જોકે સિંગાપોરની સાથે ટૉપ સ્થાન શૅર કરનારું સ્વિટ્ઝરલૅન્ડનું ઝુરિચ ૨૦૨૨માં છઠ્ઠા નંબરે હતું જે ડાયરેક્ટ પહેલા નંબરે આવી ગયું છે. ૧૪ ઑગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર દરમ્યાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૧૭૩ શહેરોને આવરી લેવામાં આવ્યાં હતાં, જેમાં ૨૦૦થી વધુ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ માટે ૪૦૦થી વધુ ચીજોની કિંમતની તુલના કરવામાં આવી હતી. સિંગાપોરનું રૅન્કિંગ કરિયાણા, આલ્કોહૉલ, કપડાં અને પ્રાઇવેટ કારની માલિકીના ઊંચા ખર્ચનું પરિણામ હતું, જ્યારે ઘરગથ્થુ ચીજવસ્તુઓ અને મનોરંજક પ્રવૃત્તિઓના ઊંચા ભાવથી ઝુરિચનો આ લિસ્ટના ટૉપ પર સમાવેશ થતો હતો. જોકે આ યાદીની સાથે સૌથી સસ્તાં શહેરોની જે યાદી હતી એમાં ભારતનાં બે શહેરોએ સ્થાન મેળવ્યું છે. સૌથી સસ્તાં શહેરોની યાદીમાં અમદાવાદ આઠમા નંબરે અને ચેન્નઈ દસમા નંબરે આવ્યું છે. જીવનજરૂરિયાતની બેઝિક સુવિધાઓ અમદાવાદમાં પ્રમાણમાં સસ્તી હોવાનું કહેવાય છે.

offbeat news ahmedabad