02 August, 2024 10:34 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ‘સબ ભૂમિ ગોપાલ કી.` ધાર્મિકતાની દૃષ્ટિએ વાત સાચી છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં તો વાસ્તવિક રીતે સાચી છે. ત્યાં સામાન્ય માણસોની જેમ સ્થાનિક દેવી-દેવતાઓ બાગબગીચાનાં માલિક છે. કેટલાક ભગવાન તો પાછા જમીનદાર પણ છે. તેમના નામે કેટલાય વીઘા જમીન બોલાય છે. બોલો! શિમલાના પૂજારલી ગામના રુદ્ર દેવતા, ઠિયોગના ડોમેશ્વર દેવતા ગુઠાણ અને રોહડુના દેવતા ગુડારુ મહારાજ ગવાસના નામે સફરજનના બગીચા છે તો કુલુમાં દેવી-દેવતાઓના નામની જમીન છે અને ત્યાં પણ સફરજનના બગીચા છે. દર વર્ષે દેવતા સમિતિ બગીચાની લિલામી કરે છે અને જે આવક થાય એ દેવકાર્યોમાં ખર્ચાય છે. ડોમેશ્વર દેવતાના નામે રોયલ સફરજનના બગીચા છે, એમાં ૫૦૦ વૃક્ષ છે. શિમલાના ગુડારુ મહારાજ ગવાસના નામે ૮૦ વીઘા જમીન છે અને એમાં સફરજનનાં ૧૫૦૦થી વધુ ઝાડ છે એમાંથી વર્ષેદહાડે ૧૫થી ૨૦ લાખ રૂપિયાની આવક થાય છે. હાટેશ્વરી માતાના નામે ૮ હેક્ટર જમીન પર ૪૦૦૦થી વધુ સફરજનનાં ઝાડ છે. આ ભગવાનની આવક પણ વર્ષે ૨૫થી ૩૦ લાખ છે.