વેઇટલૉસ માટે દર અઠવાડિયે ફોટો પાડો

10 February, 2024 02:37 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ પ્રોસેસને સતત ચાલુ રાખવા સ્પૅનિશ સંશોધકોએ એક સરસ નુસખો સૂચવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ચરબી ઘટાડવી હોય તો ડાયટિંગની સાથે મોટિવેશનનું પણ ઘણું મહત્ત્વ છે. આ પ્રોસેસને સતત ચાલુ રાખવા સ્પૅનિશ સંશોધકોએ એક સરસ નુસખો સૂચવ્યો છે. સ્પેનની એલિકેન્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક રસપ્રદ પ્રયોગ કર્યો છે કે વેઇટલૉસના હેતુસર ડાયટિંગની પ્રક્રિયા હાથ ધરી હોય ત્યારે દર અઠવાડિયે આપણા શરીરના ફોટો પાડવાથી અને એની સરખામણી કરવાથી ઘણો ફાયદો થાય છે. તેમણે ત્યાંના ન્યુટ્રિશન ક્લિનિકમાં સતત વીસ અઠવાડિયાં સુધી ૧૬થી ૫૬ વર્ષની ઉંમરના લોકો પર આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં ભાગ લેનારા લોકોને તેમના ખોરાક તથા એક્સરસાઇઝની ડાયરીની સાથોસાથ દર અઠવાડિયે પોતાના શરીરનો ફોટો પાડવાનું પણ સૂચવવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે એમાંથી પોણા ભાગના લોકોએ ચાર મહિનામાં પોતાનો ગોલ અચીવ કરી લીધો અને એમાં આ તસવીરોનો મોટો ફાળો હતો. સંશોધકોના કહેવા પ્રમાણે વેઇટલૉસની પ્રક્રિયામાં કમર અને પેટના ભાગોની ચરબીમાં થતો ફેરફાર એકદમ ઊડીને આંખે વળગે છે જે તમારું મોટિવેશન વધારે છે. દર અઠવાડિયે ફોટો લેવાનું કામ તો સહેલું જ છેને? 

offbeat news international news