20 November, 2024 04:30 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના એક લાઇનમૅન
અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું રાજ્ય હતું ત્યારે લોકોનાં મન એટલાં પવિત્ર અને પ્રામાણિક હતાં કે રસ્તા પર પડેલી વસ્તુ પોતાની ન હોય તો કોઈ લેતું નહોતું. હૈદરાબાદના એક લાઇનમૅને રસ્તા પરથી મળેલા રોકડા બે લાખ રૂપિયા ભરેલું કવર પોતાનું નહોતું તોય લઈ તો લીધું પણ પોલીસને સોંપીને રામરાજ્યનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. હૈદરાબાદના લાલગુડા વિસ્તારમાં બનેલી ઘટના એવી છે કે તેલંગણ સ્ટેટ સધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના લાઇનમૅન સતીશ યાદવ સોમવારે સવારે ઐયપ્પા સ્વામી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પરથી પૂરપાટ ઝડપે એક સ્કૂટર પસાર થયું અને થોડે આગળ પહોંચ્યું ત્યારે એ સ્કૂટર પરથી એક કવર રસ્તા પર પડી ગયું. સતીશે એ કવર ઉપાડ્યું અને અંદર જોયું તો બે લાખ રૂપિયા હતા. તેમણે ટૂ-વ્હીલર ચલાવતા માણસને બૂમ પાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેણે સાંભળ્યું જ નહીં. એ પછી તે લાલગુડા પોલીસ-સ્ટેશન ગયો અને સ્ટેશન હાઉસ ઑફિસરને એ કવર આપીને આખી વાત કરી. આટલાબધા રૂપિયા જોઈને રાખી લેવાની લાલચ ન થઈ એવું પૂછ્યું ત્યારે સતીશે કહ્યું કે ‘સહેજ પણ લાલચ ન થઈ. આ રૂપિયા કદાચ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટેના હોય કે પછી દીકરીનાં લગ્ન માટે એ માણસે બચાવી રાખ્યા હોય એવું પણ બને.’