12 April, 2023 11:56 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણા પેરન્ટ્સ કે પછી અન્ય પ્રિય પાત્રના જૂના વિડિયો કે ફોટો જોઈને આપણે ભાવુક થઈ જઈએ છીએ. કમ્પ્યુટર સાયન્ટિસ્ટોએ લોકોને વિનંતી કરી છે કે તેમનાં પ્રિય પાત્રોના વિડિયોને રેકૉર્ડ કરવાનું શરૂ કરી દો, કારણ કે આ વર્ષના અંત સુધી કમ્પ્યુટર પર ચેતનાને અપલોડ કરી શકાશે. ઘણા બધા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સ્ટાર્ટઅપ શરૂ કરનાર ડૉ. પ્રતીક દેસાઈએ કહ્યું કે જે લોકો પાસે આવા વિડિયો મોટા પ્રમાણમાં હશે તેઓને પોતાના પ્રિયજનને કાયમ પોતાની પાસે રાખવાની તક છે. પ્રતીક દેસાઈએ ચૅટજીપીટી જેવી સિસ્ટમ બનાવી છે. ઘણા નિષ્ણાતો માને છે કે ટેક્નૉલૉજી માટે એક નવા સુવર્ણયુગની શરૂઆત થશે. બીજી તરફ ઇલૉન મસ્ક સહિત ૧૦૦૦ જેટલા ટેક લીડર્સના મતે આ ટેક્નૉલૉજી માનવતાને નષ્ટ કરી શકે છે. બિલ ગેટ્સ જેવા નિષ્ણાતોના મતે એઆઇ આપણા જીવનને સુધારશે. પ્રતીક દેસાઈ બિલ ગેટ્સના મતને સમર્થન આપે છે. તેમના મતે આપણા મૃત પ્રિયજનોને કમ્પ્યુટરમાં રહેતા અવતાર તરીકે ફરીથી જીવંત કરી શકીએ છીએ, જેમાં એઆઇ સિસ્ટમને ડિજિટાઇઝિંગ વિડિયો, વૉઇસ રેકૉર્ડિંગ, ડૉક્યુમેન્ટ અને ફોટો આપવામાં આવે છે. સિસ્ટમ એ વ્યક્તિ વિશે બધું જ શીખે છે. પછી એ તમારા પ્રિયજન જેવો જ દેખાય છે અને કામ કરે છે. લાઇવ ફોરએવર નામના પ્રોજેક્ટમાં આવી વ્યક્તિનો વીઆર રોબો બનાવવામાં આવે છે, જે એ વ્યક્તિની અવાજ સહિત ઘણીબધી વસ્તુની નકલ કરે છે. કંપનીના મતે તમે આ વ્યક્તિને મળો તો શરૂઆતની ૧૦ મિનિટ તો તમને ખબર પણ ન પડે કે આ વ્યક્તિ એઆઇ છે.