30 March, 2023 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગૂગલના ભૂતપૂર્વ એન્જિનિયરની ભવિષ્યવાણી : મનુષ્ય અમર થઈ જશે
ગૂગલના એક ભૂતપૂર્વ એન્જિનિયરે ભવિષ્યવાણી કરી છે કે મનુષ્ય ૮ વર્ષમાં અમરત્વ મેળવશે. જોકે આ એન્જિનિયરની ૧૪૭ આગાહીમાંથી ૮૬ ટકા સાચી પડી છે. રે કુર્ઝવેઇલે યુટ્યુબની ચૅનલ ઍડાજિયો સાથે વાત કરતાં જિનેટિક્સ, નૅનો ટેક્નૉલૉજી અને રોબોટિક્સમાં આવી રહેલા ક્રાન્તિકારી ફેરફારની વાત કરી છે જે આગળ જતાં અમરત્વ તરફ લઈ જતા નૅનો-બોટ્સ તરફ લઈ જશે. એમાં નાના આકારના રોબો ખરાબ થઈ ગયેલા કોષ અને પેશીઓને સુધારશે જે ઉંમર વધવાની સાથે બગડે છે અને આપણને કૅન્સર જેવા રોગથી બચાવે છે. ૨૦૩૦ સુધી આવી સિદ્ધિ મેળવી શકાશે એવી આગાહીને કારણે શંકા પણ ઊભી થઈ છે, કારણ કે તમામ રોગનો ઉપચાર કરવો શક્ય બનશે એ વાત સાચી લાગતી નથી. રે કુર્ઝવેઇલને ગૂગલે ૨૦૧૨ મશીન લર્નિંગ અને લૅન્ગ્વેજ પ્રોસેસિંગ નામના નવા પ્રોજેક્ટ માટે નોકરી પર રાખ્યા હતા, પરંતુ એ પહેલાં તેમણે ઘણી બધી આગાહી કરવી પડી હતી. ૧૯૯૦માં આગાહી કરી હતી કે વિશ્વનો શ્રેષ્ઠ ચેસ ખેલાડી ૨૦૦૦ સુધી કમ્પ્યુટર સામે હારી જશે અને ૧૯૯૭માં ડીપ બ્લુ નામના કમ્પ્યુટરે ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. કુર્ઝવેઇલે ૧૯૯૯માં બીજી આગાહી કરી છે જેમાં કહ્યું કે ૨૦૨૩ સુધી ૧૦૦૦ ડૉલરના અંદાજે ૮૨,૦૦૦ રૂપિયામાં લૅપટૉપમાં માણસના મગજ જેવો કમ્પ્યુટિંગ પાવર અને સ્ટોરેજ કૅપેસિટી હશે. કુર્ઝવેઇલના મતે આપણા મગજમાં કમ્પ્યુટર ઇમ્પ્લાન્ટ કરવાથી એની ક્ષમતામાં વધારો થશે. માનવશરીરમાં નૅનો મશીન્સ દાખલ કરવાનો વિચાર દાયકાઓથી વિજ્ઞાન સાહિત્યમાં છે. સ્ટાર ટ્રૅકમાં નૅનાઇટ નામના નાના મૉલેક્યુલેટર રોબોનો ઉપયોગ શરીરના ખરાબ થયેલા કોષને સુધારવામાં કરવામાં આવ્યો હોવાનું દેખાડાયું હતું. સદીઓ પહેલાં આપણે ચશ્માં અને કાનનાં મશીન વાપરતા થયા હતા, જેને કારણે માનવજીવનમાં મોટો સુધારો આવ્યો અને ત્યાર બાદ પેસમેકર અને ડાયાલિસિસ જેવાં મશીન આવ્યાં હતાં.