04 December, 2024 05:08 PM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
હૉન્ગકૉન્ગમાં ‘પાંડા ગો ફેસ્ટ એચકે’ નામનો ફેસ્ટિવલ શરૂ થશે
હૉન્ગકૉન્ગમાં શનિવારથી પાંડાની હજારો વિશાળ કદની પ્રતિમાઓ ત્યાંના રહેવાસીઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરશે. શનિવારથી આખા હૉન્ગકૉન્ગમાં ‘પાંડા ગો ફેસ્ટ એચકે’ નામનો ફેસ્ટિવલ શરૂ થશે અને એ ૨૬ તારીખ સુધી ચાલશે. એ માટે પાંડાની ૨૫૦૦ પ્રતિમાઓ બનાવાઈ છે. હૉન્ગકૉન્ગ ઍરપોર્ટ પર સોમવારે આ પ્રતિમાઓએ સત્તાવાર રીતે લોકોનું સ્વાગત કર્યું હતું. પાંડાનો ફેસ્ટિવલ ઊજવાઈ રહ્યો છે એ મજા પડે એવી વાત છે, પણ શા માટે ઊજવાઈ રહ્યો છે એ કારણ વધારે મજા પમાડે એવું છે.
અહીંના થીમ પાર્કમાં યિંગ યિંગ નામની વિશ્વની સૌથી વૃદ્ધ પાંડા પહેલી વાર માતા બની હતી અને ઑગસ્ટમાં એણે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ હરખનો પ્રસંગ હતો એટલે આખા હૉન્ગકૉન્ગમાં પાંડા ફેસ્ટિવલ ઊજવાઈ રહ્યો છે. આ અઠવાડિયાના અંતે પાંડાની પ્રતિકૃતિઓ જાણીતા શૉપિંગ ડિસ્ટ્રિક્ટ ત્સિમ શા ત્સુઇના ઍવન્યુ ઑફ સ્ટાર્સમાં મુકાશે. એ પછી અન્ય ત્રણ સ્થળે પણ મુકાશે. બાળપાંડા આવ્યાં એની ખુશી વ્યક્ત કરવા સાથે પ્રવાસન થકી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને એશિયાનાં પ્રવાસન સ્થળોમાં ફરીથી સ્થાન મળે એ માટે પણ હૉન્ગકૉન્ગ પાંડા ફેસ્ટિવલ ઊજવી રહ્યું છે.