26 December, 2024 12:06 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent
આરોપી રામ સરુપ ઉર્ફે સોઢીની ધરપકડ
પંજાબ પોલીસે ૩૧ વર્ષના રામ સરુપ ઉર્ફે સોઢી નામના યુવાનની ધરપકડ કરી છે. તે પંજાબમાં હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો વતની છે અને તેના પર આરોપ છે કે તેણે ૧૮ મહિનામાં ૧૧ લોકોની હત્યા કરી છે. પોલીસને એવી આશંકા છે કે તે લોકોને તેની કારમાં લિફ્ટ આપતો હતો અને પછી તેમની પાસે નાણાંની અથવા તેમની સાથે સેક્યુઅલ સંબંધો બાંધવાની માગણી કરતો હતો. જે લોકો ના પાડે તેમનું ગળું ઘોંટીને અથવા માથા પર ઈંટ મારીને તેમની હત્યા કરતો હતો. તેણે એક કેસમાં જેની હત્યા કરી હતી તેની પીઠ પર ‘ધોકેબાજ’ એવું લખ્યું હતું. તેનો આ શિકાર ભૂતપૂર્વ સૈનિક હતો અને સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આરોપી પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે, પણ તેની હોમોસેક્સ્યુઅલિટીથી કંટાળીને પરિવારે બે વર્ષ પહેલાં તેને તરછોડી દીધો હતો. તેણે રૂપનગર, હોશિયારપુર અને કરતારપુર સાહિબમાં ૧૧ હત્યાઓ કરી હોવાનું સ્વીકારી લીધું છે.