વર્લ્ડ ફોટોગ્રાફી સ્પર્ધાના શાનદાર ફોટોગ્રાફ્સ

19 April, 2023 12:50 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફર ઑફ ધ યરના ટાઇટલ સાથે ૨૫,૦૦૦ ડૉલર, અંદાજે ૨૦ લાખ રૂપિયાનું ઇનામ પોર્ટુગલના ફોટોગ્રાફર ઍડ્ગર માર્ટિનને આપવામાં આવ્યું હતું

નૉર્વેના નોર્ડેન્સજોલ્ડ લૅન્ડ નૅશનલ પાર્કની નજીક રીંછ પથ્થર પર ફરી રહ્યું છે. એક દાયકા પહેલાં ત્યાં ગ્લૅસિયર હતી. ઑસ્ટ્રેલિયાના ફોટોગ્રાફર માર્ક ફિટસિમોન્સે લીધેલા આ ફોટોને ‘ક્લાઇમેટ ચેન્જ’ એવું ટાઇટલ પણ આપ્યું છે. ગ્લૅસિયરની સંખ્યામાં ઘટાડો થતાં રીંછની સમસ્યા વધી છે.

વર્ષ ૨૦૨૩ના સોની વર્લ્ડ ફોટોગ્રાફી અવૉર્ડની ઘોષણા કરવામાં આવી છે. દર વખતની જેમ આ વર્ષે પણ શાનદાર ફોટોઝ જોવા મળ્યા છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે સમગ્ર દુનિયાભરમાંથી એન્ટ્રી આવે છે, જેમાં પ્રોફેશનલ અને ઓપન એમ બન્ને પ્રકારની સ્પર્ધા હોય છે. ફોટોગ્રાફર ઑફ ધ યરના ટાઇટલ સાથે ૨૫,૦૦૦ ડૉલર, અંદાજે ૨૦ લાખ રૂપિયાનું ઇનામ પોર્ટુગલના ફોટોગ્રાફર ઍડ્ગર માર્ટિનને આપવામાં આવ્યું હતું. વિજેતા જાહેર થયેલા ફોટોગ્રાફર તેમ જ અન્ય શૉર્ટલિસ્ટ થયેલા ૨૦૦ જેટલા ફોટોઝની ૨૦૦ જેટલી પ્રિન્ટ કાઢીને એનું પ્રદર્શન હાલ લંડનમાં ચાલી રહ્યું છે, જે પહેલી મે સુધી ચાલશે. એક નજર શાનદાર ફોટોઝ પર... 

ફોટોગ્રાફર કોરી આર્નોલ્ડના આ ફોટોને વાઇલ્ડ સિરીઝમાં બીજો નંબર મળ્યો છે જેમાં સૅન ફ્રાન્સિસ્કો શહેરના ગોલ્ડન ગેટ પાર્ક નજીક રીંછ જેવા માંસાહારી પ્રાણી રકૂનના ફોટોઝ છે. માણસો એમને ખોરાક આપતા હોવાથી એ વારંવાર આવી વસાહતોમાં આવી ચડે છે. પ્રાણીપ્રેમીઓ પોતાની કારમાં આવાં રકૂન માટે ડૉગ ફૂડ, ચિકન તેમ જ અન્ય વસ્તુઓ આપે છે. એમને આવી વસ્તુઓ આપવા સામે પ્રતિબંધ છે તેમ છતાં મોટા ભાગે એમ થાય છે. શહેરના રસ્તાઓ પર જોવા મળતાં રકૂન.

ફોટોગ્રાફર મારિલ કમિલાએ કોલંબિયાના મેડેલિન શહેરનો ફોટો પાડ્યો છે. રાતના સમયમાં શહેરની લાઇટ્સ અદ્ભુત દૃશ્ય ઊભું કરે છે. સ્ટુડન્ટ્સ કૉમ્પિટિશન માટે આ ફોટોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. 

offbeat news wildlife photos london international news