midday

પતિને મારવાનો એક પ્રયાસ ખાલી ગયો તો પત્નીએ બીજી વાર સુપારી આપીને મર્ડર કરાવ્યું

20 June, 2024 03:02 PM IST  |  Panipat | Gujarati Mid-day Correspondent

બિઝનેસમૅન વિનોદ ભરારાની ૨૦૨૧ની ૧૫ ડિસેમ્બરે તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિનોદ ભરારા અને નિધિ

વિનોદ ભરારા અને નિધિ

હરિયાણાના પાણીપતમાં એક વૉટ્સઍપ મેસેજને કારણે ત્રણ વર્ષ જૂનો મર્ડરનો કેસ સૉલ્વ થઈ ગયો હતો. બિઝનેસમૅન વિનોદ ભરારાની ૨૦૨૧ની ૧૫ ડિસેમ્બરે તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા કરનારા ટ્રક-ડ્રાઇવર દેવ સુનારે એવું કહ્યું હતું કે ઍક્સિડન્ટ કેસમાં વિનોદે સમાધાન કરવાનો ઇનકાર કરતાં તેણે તેને પતાવી નાખ્યો હતો. વિનોદ મૃત્યુ પામ્યો હતો, શૂટર જેલમાં હતો અને કેસ પણ બંધ થઈ ગયો હતો. જોકે એક દિવસ જિલ્લા પોલીસવડા અને ઇ​ન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી અજિત સિંહ શેખાવતના ફોન પર એવો વૉટ્સઍપ મેસેજ આવ્યો કે વિનોદની હત્યાનું પ્લાનિંગ તેની ખૂબ જ નજીકની વ્યક્તિએ કર્યું હતું. આ મેસેજ વિનોદના ભાઈ પ્રમોદે વિદેશથી મોકલ્યો હતો. જૂની ફાઇલો ખૂલતાં પોલીસને અજુગતું લાગ્યું કે રૅશ-ડ્રાઇવિંગના કેસમાં ભારે દંડ થતો નથી અને આરોપીને ઘણી વાર જામીન પણ મળી જાય છે. એવામાં ટ્રક-ડ્રાઇવર વિનોદની હત્યા કરી નાખે એ વાત પચતી નથી. પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે ટ્રક-ડ્રાઇવરે સુમીત નામના જિમ-ટ્રેઇનરના કહેવાથી વિનોદની હત્યા કરી હતી. આ જિમ-ટ્રેઇનરનું વિનોદની પત્ની નિધિ સાથે અફેર હતું. જિમમાં શરૂ થયેલી લવસ્ટોરી વિશે વિનોદને ખબર પડી જતાં સુમીત અને નિધિએ તેનું મર્ડર કરાવ્યું હતું. પહેલાં ટ્રક-ડ્રાઇવરે વિનોદની કારને ટક્કર મારીને તેને પતાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિનોદ બચી જતાં તેને પોતાના ઘરમાં જ ગોળી મારવામાં આવી હતી. વિનોદની પત્ની અને તેના બૉયફ્રેન્ડે ગુનો કબૂલ્યા બાદ તેમને જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.

Whatsapp-channel
offbeat news haryana Crime News murder case national news