16 March, 2023 12:55 PM IST | Toronto | Gujarati Mid-day Correspondent
બ્લુ વ્હેલના હાર્ટનું વજન ૧૮૧ કિલો
બ્લુ વ્હેલ પૃથ્વી પર સૌથી વિશાળ પ્રાણી છે. મહાસાગર પર રાજ કરનારા આ પ્રાણીનું વજન ૨૦૦ ટન જેટલું હોય છે. રીસન્ટ્લી ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર બ્લુ વ્હેલના હાર્ટનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો. આ વિશાળ હાર્ટને કૅનેડાના રૉયલ ઓન્ટેરિયો મ્યુઝિયમ ખાતે જાળવવામાં આવ્યું છે અને ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ગોએન્કાએ આ ફોટોગ્રાફ શૅર કરીને લખ્યું હતું કે ‘બ્લુ વ્હેલના પ્રિઝર્વ કરેલા આ હાર્ટનું વજન ૧૮૧ કિલો છે. એ ૧.૨ મીટર પહોળું છે અને એની ઊંચાઈ ૧.૫ મીટર છે. બ્લુ વ્હેલના હાર્ટના ધબકારા ૩.૨ કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાય છે.’
આ ફોટોગ્રાફ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘પ્લાન્ટ્સથી લઈને ઍનિમલ્સથી લઈને માણસો સુધી યુનિવર્સની પોતાની ક્રીએટિવિટી છે. કીડીથી લઈને વ્હેલ સુધી કેટલા સુંદર રીતે રચાયા છે.’