21 January, 2025 01:05 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
આ હીરાની કિંમત વિશે સ્મિત પટેલ કંઈ કહેતા નથી
સુરતના હીરાના ઉદ્યોગપતિએ ૪.૩૦ કૅરૅટનો ડોનલ્ડ ટ્રમ્પના ચહેરા જેવો હીરો વિકસાવ્યો છે. સુરતમાં લૅબગ્રોન હીરાઉદ્યોગ ખૂબ જ વિકાસ પામી રહ્યો છે. અમેરિકાના હવે ભૂતપૂર્વ થઈ ગયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનનાં પત્નીને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ આપેલો ગ્રીન ડાયમન્ડ પણ સુરતની ગ્રીન ડાયમન્ડ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. હવે એ જ કંપનીના માલિક સ્મિત પટેલે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે તેમને ભેટ આપવા માટે ૪.૭૦ કૅરૅટનો એક લૅબગ્રોન હીરો વિકસાવ્યો છે. શુદ્ધતા અને ચમક માટે જાણીતા ડી કલરના હીરાને ટ્રમ્પના ચહેરાનું રૂપ આપવા માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ખાસ એક્સપર્ટ સાથે વિશેષ ચર્ચા-વિચારણા કર્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પના ચહેરાનો પર્ફેક્ટ આકાર અને ડિઝાઇન વિકસે એવું પ્લાનિંગ કરાયું હતું. એ માટે રૉ મટીરિયલ બનાવવામાં જ ૪૦ દિવસ નીકળી ગયા હતા. એ બાદ ગ્રોઇંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયામાં બે મહિના લાગ્યા હતા. પાંચ કારીગરોની ૬૦ દિવસની મહેનત બાદ લૅબગ્રોન ડાયમન્ડને હાઈ પ્રેશરના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ હીરાની કિંમત વિશે સ્મિત પટેલ કંઈ કહેતા નથી, પરંતુ એમ લાગે છે કે એ હીરો ૨૦ લાખ રૂપિયાથી વધુના મૂલ્યનો હોઈ શકે છે.