28 December, 2024 06:49 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રોટલી મોડી મળતાં દુલ્હો લગ્ન કર્યા વિના જ જાન લઈને પાછો વળી ગયો
ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના ઔદ્યોગિક નગરમાં એક ગામમાં જાનને જમાડવામાં મોડું થતાં દુલ્હો અને જાનૈયાઓ નારાજ થઈ ગયા હતા. સાંજે રંગેચંગે આવેલી જાનને જમાડતી વખતે રોટલી મળવામાં મોડું થતાં જાનૈયાઓએ વાતનું વતેસર કર્યું હતું. એ પછી લગ્નના સમયે દુલ્હન તૈયાર થઈને રાહ જોતી રહી, પણ દુલ્હો લગ્ન કર્યા વિના જ રાતે જાન લઈને પાછો વળી ગયો હતો. આ વાતની ખબર પડતાં કન્યાપક્ષમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે હજી એ સમાચારના આઘાતની કળ વળે એ પહેલાં દુલ્હાએ તેની જાનમાં આવેલી એક કન્યા સાથે ફેરા ફરી લીધા હતા. કન્યાપક્ષે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, કેમ કે દુલ્હાના પક્ષે શાદી પહેલાં બે લાખ રૂપિયા લીધા હતા અને લગ્નમાં ૨૦૦ લોકોની આગતાસ્વાગતા અને ભેટસોગાદમાં ૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. કન્યાપક્ષનું કહેવું છે કે મેંદી રચીને બેઠેલી દુલ્હનને ન્યાય મળવો જોઈએ.