23 January, 2025 10:22 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
જુઓ જુઓ વરરાજાનો ઠાઠ
લગ્નોમાં વરરાજાની જાન નીકળે તો કંઈક ટ્રેન્ડી કરવાનું વરપક્ષના લોકો સતત વિચારતા હોય છે, પણ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક વરરાજાની જાન એક ડઝન જેટલાં બળદગાડાંઓમાં નીકળી હતી અને આ વિશેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એક સાથે ડઝનભર બળદગાડાંઓને જતાં જોઈ રસ્તેથી નીકળનારા વાહનધારકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બળદગાડાંઓને ફૂલ અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યાં હતાં અને બળદ પણ જાણે ગોવર્ધન પૂજા માટે સજાવવામાં આવે એવા દેખાતા હતા.
ભીલવાડાના રાયપુર પાસેના કોશીથલ ગામથી આ જાન નીકળી હતી અને વરરાજા રાયપુરના સૂરજપુરા ગામમાં તેની જીવનસંગિની સાથે પરણવા જઈ રહ્યો હતો. સૌથી પહેલા બળદગાડામાં વરરાજા બેઠા હતા. જાટ સમાજમાં દેખાડાને સ્થાન નથી અને આજે પણ સમાજના નીતિ-નિયમો અને રીતરિવાજોના આધારે જ આવા પ્રસંગો પાર પાડવામાં આવે છે. આ અનોખી જાનની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું છે કે જૂના દિવસો યાદ આવી ગયા.