05 March, 2025 02:45 PM IST | Greater Noida | Gujarati Mid-day Correspondent
ગૂગલ મૅપ્સે કાર ૩૦ ફુટ ઊંડા નાળામાં પાડી, ડ્રાઇવરનો જીવ ગયો
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં ગૂગલ મૅપ્સ અને સ્થાનિક પ્રશાસનની લાપરવાહીને કારણે ૩૦ ફુટ ઊંડા નાળામાં એક કાર પડી ગઈ હતી જેમાં પ્રવાસ કરી રહેલા માનેસર સ્ટેશનના સ્ટેશન-માસ્ટર ભારત ભાટીનું મૃત્યુ થયું હતું.
ગ્રેટર નોએડામાં સેક્ટર P-4 પાસે શનિવારે આ દુર્ઘટના બની હતી. ભારત ભાટી ગૂગલ-મૅપ્સના આધારે કાર ચલાવી રહ્યા હતા અને નાળું આવ્યું ત્યારે તેમને કાંઈ દેખાયું નહોતું અને કાર સીધી નાળામાં પડી હતી. ઘટના નજરે જોનારા લોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને ક્રેન બોલાવી હતી, પણ કારના દરવાજા બંધ હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા અને હૉસ્પિટલમાં લઈ જતાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
ભારત ભાટીના ભાઈ દિલીપે જણાવ્યું હતું કે ‘તેઓ એક લગ્નમાં હાજરી આપવા ગ્રેટર નોએડાથી ગિરધરપુર જઈ રહ્યા હતા, પણ રસ્તો સમજ પડતો ન હોવાથી તેમણે ગૂગલ-મૅપ્સ પર નેવિગેશન શરૂ કર્યું હતું. જ્યાં અકસ્માત થયો છે ત્યાં જો પ્રશાસને બૅરિકેડ્સ લગાવ્યાં હોત તો ભારતભાઈ આજે જીવતા હોત. અમે પ્રશાસન સામે કાર્યવાહીની માગણી કરીશું.’
આ દુર્ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં બૅરિકેડ્સ લગાવી દીધાં છે.