04 December, 2024 05:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગોવાના સિવિલ એન્જિનિયર વેપારી સિદ્ધાર્થ સિંહ ગૌતમે ભારત છોડવાનો નિર્ણય કર્યો છે. આ વિશે તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વાત કરી
ભારતમાં વાયુ, ધ્વનિ, જળ સહિતનાં તમામ પ્રકારનાં પ્રદૂષણ છે. દેશનું પાટનગર દિલ્હી જ ઝેરી હવાને કારણે ગંભીર પ્રકારના વાયુપ્રદૂષણથી ગ્રસ્ત છે. આ સ્થિતિમાં લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સુપ્રીમ કોર્ટે પણ અનેક વાર ટકોર કરી હોવા છતાં સ્થિતિમાં સુધારો થતો નથી. ત્યાંના રાજકીય પક્ષો અને નેતાઓ પણ નિવેદનોથી વાણીપ્રદૂષણ ફેલાવતા રહે છે. આવી સ્થિતિથી ત્રાસીને ગોવાના સિવિલ એન્જિનિયર વેપારી સિદ્ધાર્થ સિંહ ગૌતમે ભારત છોડવાનો નિર્ણય કર્યો છે. આ વિશે તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વાત કરી છે. તેમણે લખ્યું છે કે ‘હું ભારત છોડી દઈશ અને ૨૦૨૫માં કાયમી ધોરણે સિંગાપોર રહેવા જતો રહીશ. ડૉક્યુમેન્ટેશનની પ્રોસેસ ચાલી રહી છે. હું અહીંના રાજકીય નેતાઓને સહન કરી શકું એમ નથી, ૪૦ ટકા ટૅક્સ ભરી શકું એમ નથી અને પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ શકું એમ નથી. કોઈ જવાબદારી લેતું નથી. મારું પ્રામાણિક સૂચન છે કે જો તમારી પાસે પણ સરખા પૈસા હોય તો કૃપા કરીને જતા રહો.’
આ પોસ્ટે સોશ્યલ મીડિયામાં અનેક સવાલ અને ચર્ચાનાં વમળ સર્જી દીધાં છે. કેટલાક યુઝર્સે ગૌતમની વિચારસરણી સામે વાંધો ઉઠાવ્યો છે અને દેશ છોડવાનો નિર્ણય કરવાને બદલે દેશના સારા માટે કામ કરવાની સલાહ આપી છે. કેટલાકે સારી અને ચોખ્ખી હવા માટે આઇસલૅન્ડ કે ભારતના પર્વતો પર રહેવા ચાલ્યા જવાનું સૂચન પણ કર્યું છે.