20 March, 2025 01:03 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
કાનપુરમાં ૧૩ માર્ચે એક પાળેલા કૂતરાએ ૮૦ વર્ષની એની માલિકણને એટલી રગદોળી કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું
કાનપુરમાં ૧૩ માર્ચે એક પાળેલા કૂતરાએ ૮૦ વર્ષની એની માલિકણને એટલી રગદોળી કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. મોહિની ત્રિવેદી નામનાં દાદીમા દીકરા, વહુ અને પૌત્ર સાથે રહેતાં હતાં. ઘરમાં જર્મન શેફર્ડ પ્રજાતિનો કૂતરો પાળ્યો હતો જે મોહિનીદાદીને ખૂબ વહાલો હતો. કૂતરાને દાદીમા પોતાના દીકરાની જેમ લાડ લડાવતાં હતાં, પણ એ જ ડૉગ એક દિવસ તેમનો કાળ બની ગયો. મોહિનીદાદીનાં પુત્રવધૂ કિરણનું કહેવું છે કે ‘૧૩ માર્ચે બધા પોતપોતાની રૂમમાં હતા એ વખતે મારાં સાસુ કૂતરાને ખાવાનું આપવા એની રૂમમાં ગયાં. જોકે એ વખતે કૂતરો તેમને પરેશાન કરવા લાગ્યો. જર્મન શેફર્ડ કૂતરાનાં તોફાનને શાંત કરવા માટે સાસુજીએ લાકડી ઉગામી. બસ, એનાથી કૂતરો જોરદાર ઉશ્કેરાઈ ગયો અને તેમના પર હુમલો કરી બેઠો. અમને એનો જોરજોરથી ભસવાનો અવાજ આવી રહ્યો હતો, પણ ત્યારે અમને લાગ્યું કે બહારથી કોઈ દેખાયું હશે એની સામે કૂતરો ભસતો હશે.’ જોકે કૂતરાના ભસવાના અવાજ સાથે દાદીમાની બૂમ સંભળાવા લાગી ત્યારે આજુબાજુના લોકોને ખબર પડી. માલિકણ ચિલ્લાતી રહી, કણસતી રહી પણ ડૉગે તેનાં પેટ, કમર, ચહેરા અને ગળા પર કરડી-કરડીને એટલી બધી લોહીલુહાણ કરી દીધી કે તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ કૂતરાને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે આટલું થયા પછી પણ મોહિનીદાદીનો દીકરો નગરપાલિકામાં ગયો અને ઍફિડેવિટ આપીને પોતાની જવાબદારી પર કૂતરાને છોડાવીને પાછો ઘરે લઈ આવ્યો. તેનું કહેવું છે કે મમ્મી અને ડૉગ બન્ને ગયા પછી ઘર બહુ સૂનું-સૂનું લાગતું હતું.