27 September, 2024 11:03 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પત્ની બિકિની પહેરીને નિરાંત અનુભવે એટલે પતિએ ૪૧૮ કરોડનો ટાપુ ખરીદી લીધો
જો બીવી સે કરે પ્યાર... એ પતિ તાજમહેલ પણ બંધાવી શકે અને પર્વત તોડીને રસ્તો પણ બનાવી શકે. આવો જ એક પ્રેમી પતિ દુબઈમાં પણ છે. કરોડપતિ જમાલ અલ નાદકે 26 વર્ષની ઇન્ફ્લુઅન્સર પત્ની સૌદી અલ નાદક માટે ૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૪૧૮ કરોડ રૂપિયામાં ખાનગી ટાપુ ખરીદી લીધો છે. પત્ની સૌદી બિકિની પહેરીને નિરાંત અનુભવી શકે, સુરક્ષિત અનુભવી શકે એટલે જમાલે ટાપુ ખરીદ્યો છે. સૌદીએ પોતે જ ઇન્સ્ટાગ્રામ પર આ વાત કરી છે. બ્રિટનમાં રહેતી સૌદીના ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખથી વધુ ફૉલોઅર છે. દુબઈમાં ભણતાં હતાં ત્યારે બન્ને એકબીજાને મળ્યાં હતાં અને તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. લગ્નને ૩ વર્ષ થઈ ગયાં છે.
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આ ગામ મલાણા આવેલું છે. અહીં પ્રવાસીઓ આવી શકે છે અને હરીફરી શકે છે પણ ક્યાંય કોઈને સ્પર્શ કરી શકતા નથી. આ ગામે બનાવેલો કાયદો છે. ગામમાં ઠેર-ઠેર નોટિસ લગાવાઈ છે અને એમાં લખ્યું છે કે બહારના લોકો ક્યાંય સ્પર્શ કરશે તો ૧ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને ઘણી વાર ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે. આ નિયમ એટલો ચુસ્ત છે કે બહારથી આવેલા લોકો દુકાનમાં મૂકેલા સામાનને અડી પણ શકતા નથી. પ્રવાસીઓએ દુકાનની બહાર પૈસા મૂકવા પડે છે અને દુકાનદાર બધી વસ્તુઓ જમીન પર મૂકે પછી ત્યાંથી લેવાની હોય છે. ઇતિહાસમાં અમર થઈ ગયેલા સિકંદરે ૩૨૬ ઈ.સ. પૂર્વે ભારત પર આક્રમણ કર્યું હતું અને પોરસ સાથે સંધિ કરવી પડી હતી. સિકંદર યુનાન પાછો જતો રહ્યો પરંતુ તેની સેનાના કેટલાક સૈનિકો આ મલાણા ગામમાં જ રહી ગયા હતા એટલે અહીંના લોકો પોતાને સિકંદરના સૈનિકોના વંશજ માને છે. આ ગામમાં ભારતનું બંધારણ લાગુ પડતું નથી. ગામની પોતાની સંસદ પણ છે.
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણતા હોય તો પણ લોકો ધૂમ્રપાન કરે જ છે અને જીવલેણ બીમારી નોતરી લેતા હોય છે. હવે તો લોકો સિગારેટ કે બીડી કરતાંય વધુ જોખમી અને ઘાતકી એવા વેપિંગ એટલે કે ઈ-સિગારેટના રવાડે ચડ્યા છે. અમેરિકાના ઓહાયોમાં રહેતી ૩૨ વર્ષની મહિલા જોર્ડન બ્રિએલને વેપિંગની એટલીબધી લત લાગી છે કે તે સૂતાં-બેસતાં તો ઠીક, નાહતી વખતે અને જમતી વખતે પણ ઈ-સિગારેટનો હુક્કો ગગડાવ્યા કરતી હતી. જોર્ડન ૨૦૨૧માં વેપિંગના રવાડે ચડી હતી અને દર અઠવાડિયે ૫૦૦ ડૉલર ખર્ચી નાખતી હતી. બે વર્ષ સુધી સતત ઈ-સિગારેટ ફૂંકવાને કારણે તે શ્વાસ પણ નહોતી લઈ શકતી અને સતત ખાંસ્યા કરતી હતી. અઠવાડિયામાં બે-ત્રણ વાર હૉસ્પિટલ જવું પડતું હતું. અવાજ પણ ધીમો થઈ ગયો હતો. છાતી પર વજન લાગતું હતું. નાક અને મોઢામાંથી કાળો કફ નીકળતો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેની તબિયત બહુ ખરાબ થતાં તેણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ડૉક્ટરોએ તેનાં ફેફસાંમાંથી બે લીટર કાળું અને લોહી જેવું પ્રવાહી બહાર કાઢ્યું હતું.
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આ કહેવત કવિઓને જેટલી લાગુ પડે છે એટલી જ અન્ય કલાકારોને પણ લાગુ પડે છે. એનું દૃષ્ટાંત આ તસવીરો છે. આમ જોઈએ તો એ માત્ર દીવાલ પર દોરેલાં ચિત્રો જ લાગે, ભીંતચિંત્રો જ લાગે, પણ દીવાલની પાછળ ઊગેલાં વૃક્ષોની ડાળીઓ, ફૂલો અને પાંદડાંને કારણે આ ભીંતચિત્રો નોખાં તરી આવે છે. બ્રાઝિલના કલાકાર ફેબિયો ગોમ્સ ટ્રિનડેડે આવી અદ્ભુત કલાકૃતિ બનાવી છે. આ ભીંતચિત્રો બ્રાઝિલમાં ધૂમ વખણાઈ રહ્યાં છે અને હવે સમગ્ર વિશ્વમાં લોકો એને વખાણી રહ્યા છે.
ફૅશન-શોમાં મૉડલ્સ અવનવા અને નિતનવા ડ્રેસ પહેરીને વૉક કરતાં હોય છે, પરંતુ સ્પ્રિંગ ૨૦૨૫ રનવે શોમાં સૌથી મોંઘી વસ્તુ પણ શોકેસ કરવામાં આવી હતી. એ વસ્તુ હતી ૧૮ કૅરૅટ શુદ્ધ સોનાથી બનેલી હૅન્ડબૅગ. ફ્રાન્સની બ્રૅન્ડ રબેને રજૂ કરેલી આ હૅન્ડબૅગની કિંમત ૨.૩૨ કરોડ રૂપિયા છે. ૧૯૬૯ની ગોલ્ડન બૅગ તરીકે ઓળખાતું પર્સ શુદ્ધ સોનાથી બન્યું છે અને ૧૯૬૮ના ફ્રાન્કોઇસ હાર્ડીએ ડિઝાઇન કરેલા મિની ડ્રેસને સમર્પિત કરવામાં આવ્યું છે. મૂળ મિની ડ્રેસ સોનાની ૧૦૦૦ પટ્ટીથી બનાવાયો હતો અને એમાં ૩૦૦ કૅરૅટ હીરા જડેલા હતા. એ સમયે એ મિની ડ્રેસ સૌથી મોંઘો ડ્રેસ હતો.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક રમૂજી ઘટના બની હતી. છેલ્લા થોડા દિવસથી પીલીભીતમાં વાઘનો આતંક વધ્યો છે. વાઘે ૧૦ જણનો શિકાર કર્યો છે. લોકો ભયથી થથરી રહ્યા છે એટલે વન વિભાગે માનવભક્ષી વાઘને પકડવાની યોજના ઘડી કાઢી. ડીએફઓ મનીષ સિંહે કહ્યું કે વાઘે ૯ સપ્ટેમ્બરે માલા વન રેન્જમાં બાંસખેડા ગામમાં છેલ્લો શિકાર કર્યો હતો. વાઘને પકડવા માટે વિભાગે પ્રયાસ શરૂ કર્યા. વાઘને પકડવા અને ઘેરવા માટે જોરજોરથી હૉર્ન વગાડ્યાં, ફટાકડા ફોડ્યા પણ એ કોઈ પ્રતિક્રિયા આપતો નહોતો. છેવટે વાઘ પકડાયો ત્યારે ખબર પડી કે એ તો બહેરો છે. પશુ-ચિકિત્સક ડૉ. દક્ષ ગંગવારે કહ્યું કે ઘોંઘાટને કારણે ઘણી વાર પ્રાણીઓની શ્રવણશક્તિ હણાઈ જાય છે. મનીષ સિંહે કહ્યું કે અમે પહેલી વાર બહેરા વાઘને પકડ્યો.
કૂતરા વફાદાર હોય છે એનું વધુ એક ઉદાહરણ ઝાંસીમાં જોવા મળ્યું છે. શિવ ગણેશ કૉલોનીમાં રહેતા સાગર સિંહ યાદવનો ભત્રીજો યુવરાજ પાડોશમાં રહેતા છોકરાઓ સાથે બગીચામાં રમતો હતો. ત્યાં અચાનક પાંચ ફુટ લાંબો ઝેરી સાપ આવી ગયો. છોકરાં રમતાં હતાં ત્યાં આ સાપ સરકીને આવી રહ્યો હતો એ સાગર સિંહનો પિટબુલ ડૉગ જૉની જોઈ ગયો અને જોરજોરથી ભસવા લાગ્યો. પછી દોરી તોડીને તે સાપ પર કૂદ્યો અને મોઢામાં પકડીને પછાડી-પછાડીને એને મારી નાખ્યો. બન્ને વચ્ચે પાંચ મિનિટ સુધી લડાઈ ચાલી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે અને કૂતરા કેટલા ઉપયોગી છે એની ચર્ચા પણ થાય છે. સાગર સિંહે કહ્યું કે પિટબુલે અત્યાર સુધી દસેક સાપને મારી નાખ્યા છે.