02 May, 2023 12:02 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકા નજીક આવી એક સફેદ રંગની શાર્ક માછલીનો શિકાર વ્હેલ માછલીઓએ ટોળે વળીને કર્યો હોય એવાં ફુટેજ મળ્યાં છે
શાર્ક માછલીને સૌથી ખતરનાક શિકારી તરીકે ઓળખાવવામાં આવે છે. દરિયામાં સંશોધન માટે જતા મરજીવાઓ પર શાર્ક માછલીએ હુમલો કર્યો હોય એવા ઘણા બનાવ નોંધાયા છે, પણ સાઉથ આફ્રિકા નજીક આવી એક સફેદ રંગની શાર્ક માછલીનો શિકાર વ્હેલ માછલીઓએ ટોળે વળીને કર્યો હોય એવાં ફુટેજ મળ્યાં છે. ઑક્ટોબર ૨૦૨૨માં સાઉથ આફ્રિકાના જીવવિજ્ઞાનીઓએ સફેદ શાર્કનો શિકાર કરતી વ્હેલનાં ફુટેજ બહાર પાડ્યાં હતાં. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ સફેદ શાર્કનો મોટા પાયે શિકાર કરવા માટે આ વ્હેલ માછલી જ જવાબદાર છે, પરંતુ પહેલી વખત એના પુરાવા મળ્યા હતા. ફુટેજમાં દેખાય છે કે પાંચ વ્હેલ માછલીઓ ભેગી મળીને આ શિકારને અંજામ આપે છે. જીવવિજ્ઞાનીઓ સફેદ શાર્ક વિશે સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમને આ ઘટના જોવા મળી હતી. પાંચ વ્હેલ માછલીઓ ભેગી મળીને આ શાર્કનો પીછો કરે છે અને એની આસપાસ ફરતી રહે છે. પહેલી વખત ફુટેજ મળ્યાં છે જેમાં ખુદ શિકારી જ શિકાર થઈ જાય છે. જ્યારે શાર્કને ખબર પડે છે કે પોતે ફસાઈ ગઈ છે ત્યારે બચવા માટે ભાગવાને બદલે એક જ સ્થળે ઊભી રહી જાય છે, પરંતુ એની આ ટેક્નિક પણ નિષ્ફળ નીવડે છે, કારણ કે વ્હેલ અત્યંત બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણી છે. ટોળામાં મળીને શિકાર કરવાની પદ્ધતિ એને અસરકારક શિકારી બનાવે છે.