28 January, 2023 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાસ્કેટબૉલ કોર્ટ પર ફૂડ ડિલિવરી
ઉબર ઈટ્સના ફૂડ ડિલિવરીબૉયે ઑર્ડર ડિલિવર કરવા માટે બાસ્કેટબૉલની રમતમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. ફૉક્સસ્પોર્ટ્સના જણાવ્યા અનુસાર લોયોલા શિકાગો અને ડુક્વેસ્ને વચ્ચે ઍટ્લાન્ટિક ૧૦ વચ્ચેની મૅચ દરમ્યાન કોર્ટ પર આ બનાવ બન્યો હતો.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે ફૂડ ડિલિવરીબૉય લગભગ દસેક મિનિટ ગેમની કોર્ટમાં ફર્યા પછી ઑર્ડર લેનારને શોધી રહ્યો હતો, જેને કારણે આયોજકોએ રમતમાં વિરામ લેવો પડ્યો હતો. જોકે પછીથી જાણવા મળ્યું હતું કે મૅક્ડોનલ્ડ્સનો આ ઑર્ડર ગેમના રેફરીને ડિલિવર કરવામાં આવ્યો હતો.
રમત જોવા હાજર પ્રેક્ષકોના માન્યામાં એ નહોતું આવી રહ્યું. કૉમેન્ટેટરે પણ પ્રશ્ન કર્યો હતો કે રમતની કોર્ટ પર કોઈને ફૂડ ડિલિવર કરવા કઈ રીતે જઈ શકાય? શું આપણે એનો વિરોધ કરી શકીએ? જોકે ડિલિવરીબૉય રમતના મેદાન પર કેવી રીતે પ્રવેશ્યો એ જ સમજાતું નથી.
આ કેસમાં કેટલાક લોકોએ ફૂડ ડિલિવરીબૉયની કામ પ્રત્યેની સમર્પિતતાનાં વખાણ કર્યાં હતાં, તો વળી કેટલાક લોકોએ રમત દરમ્યાન સુરક્ષાનાં ધોરણો વિશે પ્રશ્ન કર્યો હતો.