23 December, 2024 05:28 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent
વાછરડા સાથે અથડાઈ અને વાછરડું કારની વચ્ચે આવી જઈને લગભગ ૨૦૦ મીટર સુધી રોડ પર ઘસડાયું ત્યાં સુધી કારચાલકને ખબર જ નહોતી પડી.
છત્તીસગઢના રાયગઢમાં એક કાર રસ્તે જતા વાછરડા સાથે અથડાઈ અને વાછરડું કારની વચ્ચે આવી જઈને લગભગ ૨૦૦ મીટર સુધી રોડ પર ઘસડાયું ત્યાં સુધી કારચાલકને ખબર જ નહોતી પડી. જોકે વાછરડાની સાથે જે ત્રણ-ચાર ગાયો હતી એ દોડીને કારનો પીછો કરવા માંડી અને કારની આગળ આવીને ઊભી રહી ગઈ. ગાયોને જોઈને કારચાલકે કાર ઊભી રાખવી પડી. ગાયોને આમતેમ વિહ્વળ થતી જોઈને આસપાસ લોકો એકઠા થઈ ગયા અને કારની નીચે ફસાયેલા વાછરડાને બહાર કાઢવા માટે મહેનત કરી. કાર જો થોડી પણ આગળ-પાછળ લેવામાં આવે તો વાછરડાને વધુ ઈજા પહોંચે એમ હોવાથી લોકોએ કારને એક તરફ ઊંચી કરીને વાછરડાને બહાર કાઢ્યું હતું. વાછરડું જેવું નીકળ્યું કે તરત જ ઊછળીને ભાગવા માંડ્યું, પણ એના પાછલા એક પગ પર ઈજા હોવાથી એ બરાબર ભાગી શકતું નહોતું. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો હતો અને કોઈકે એમાં અપડેટ આપ્યું હતું કે વાછરડાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.