મમ્મીના ફોનમાંથી પાંચ વર્ષની દીકરીએ મગાવ્યાં કાઉગર્લ બૂટ, રમકડાની ૧૦ બાઇક અને જીપ

04 April, 2023 11:28 AM IST  |  Boston | Gujarati Mid-day Correspondent

બૉસ્ટનમાં રહેતી જેસિકા નુનેસે કહ્યું કે મારી દીકરી લીલી મારા ફોનમાં વિડિયો-ગેમ રમતી હતી.

જેસિકા નુનેસ

અમેરિકાના મૅસેચુસેટ્સમાં પાંચ વર્ષની એક બાળકીએ મમ્મીના મોબાઇલ પરથી ઍમેઝૉનના અકાઉન્ટમાં જઈને કુલ ૪૦૦૦ ડૉલર (અંદાજે ૩.૨૯ લાખ રૂપિયા)નાં કાઉગર્લ બૂટ, રમકડાની બાઇક અને રમકડાની જીપ મગાવી હતી. બૉસ્ટનમાં રહેતી જેસિકા નુનેસે કહ્યું કે મારી દીકરી લીલી મારા ફોનમાં વિડિયો-ગેમ રમતી હતી. અમે કારમાં બેસીને ઘરે આવી રહ્યાં હતાં ત્યારે તેણે આ તમામ ખરીદી મોબાઇલ ફોન પરથી કરી હતી. જેસિકાને ૨૭ માર્ચે એક ઈ-મેઇલ આવી હતી જેમાં જણાવાયું હતું કે તમે મગા‍વેલી વસ્તુઓનું પૅકેજ મોકલવામાં આવ્યું છે. જેસિકાએ ફોનમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ઍમેઝૉન ઑર્ડરમાં કોઈકે ૧૦ બાઇક, એક જીપ અને ૧૦ જોડી કાઉગર્લ બૂટનો ઑર્ડર આપ્યો હતો, જેની સાઇઝ ૭ નંબરની હતી. જેસિકાએ કહ્યું કે બૂટનો ઑર્ડર અને પાંચ મોટરસાઇકલનો ઑર્ડર તો રદ કરી દીધો, પરંતુ એ પહેલાં પાંચ બાઇક અને એક બાળકોની જીપ જે અગાઉ મોકલી આપવામાં આવી હતી એને રોકી શકાય એમ નહોતી. ઍમેઝૉન દ્વારા મોકલવામાં આવેલી બાઇક તો નૉન-રીફન્ડેબલ હતું, પરંતુ કંપનીને રજૂઆત કરવામાં આવતાં આ તમામ વસ્તુઓ કંપનીએ પાછી લઈ લીધી હતી. આવો અનુભવ છતાં જેસિકાએ દીકરી લીલી પર ગુસ્સે થઈ નથી, પરંતુ આ અનુભવમાંથી તે પાઠ શીખી ગઈ છે. તેણે લીલી માટે એક એવી બાઇક ખરીદી છે જે તેની ઉંમરને અનુકૂળ હોય. લીલીને પૂછવામાં આવ્યું કે તેં શા માટે બાઇક મગાવી હતી ત્યારે તેણે કહ્યું કે મને એ જોઈતી હતી.

offbeat news international news united states of america amazon boston