01 January, 2023 10:32 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
ચાર પગનું સીક્રેટ જાહેર થઈ જવાનો ડર
મહાકાય કોલી પ્રજાતિના ડૉગી જેવો કૉસ્ચ્યુમ પહેરીને પોતાનું સપનું પરિપૂર્ણ કરનાર ટોકો નામનો જૅપનીઝ યુવક તેના મિત્રો અને પરિવારજનો સમક્ષ આ વાતનો સ્વીકાર કરતાં ગભરાય છે.
ટોકોએ ડૉગી જેવા દેખાવા માટે કૉસ્ચ્યુમ તૈયાર કરવા ૨૦ લાખ યેન (લગભગ ૧૨.૬૨ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. યુટ્યુબ પરના ૧૧,૪૦૦ સબસ્ક્રાઇબર્સને કરેલી છેલ્લી અપડેટ્સમાં ટોકોએ જણાવ્યું હતું કે ‘મેં ઘરના બૅકયાર્ડમાં મારા ડૉગીના કૉસ્ચ્યુમમાં ફરવાની અને રમવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત મેં કેટલીક ટ્રિક કરવાના પ્રયાસનો વિડિયો પણ બનાવ્યો છે. છતાં હજી સુધી હું મારા પરિવારજનો કે મિત્રોને આ વિશે કહેવાની હિંમત કેળવી શક્યો નથી. મને ભય છે કે આ વાત જાણીને મારા મિત્રો મને વિચિત્ર વ્યક્તિ ગણવા માંડશે.’
જોકે માત્ર ડૉગી જ કરી શકે એવી હરકત કરીને તે ખુશ છે. ડૉગીના ફર પર પવનનો સ્પર્શ અને બૅકયાર્ડના ઘાસમાં આળોટવાનો અનુભવ તેને માટે ઘણો કીમતી છે. પોતાના પગ અને ડૉગીના કૉસ્ચ્યુમના તળિયાને ગંદું થતું બચાવવા ટોકો સૅન્ડલ પહેરે છે. ટીવી કમર્શિયલ માટે કૉસ્ચ્યુમ તૈયાર કરનાર કંપની ઝેપેટને આ કૉસ્ચ્યુમ બનાવતાં ૪૦ દિવસ લાગ્યા હતા.