05 October, 2024 12:11 PM IST | Indianapolis | Gujarati Mid-day Correspondent
દોષી ઠેરવાયેલા પિતા ડેવિડ શોનાબામન
કંપારી છૂટી જાય અને અરેરાટી ઊપજે એવી ઘટના અમેરિકાના ઇન્ડિયાનામાં બની છે. ઇવાન્સવિલમાં એક ઘરમાં ઉંદરોએ ૬ મહિનાના બાળકને કરડીને કોતરી નાખ્યો હતો. પોલીસને ખબર પડી અને ઘરે પહોંચી ત્યારે એ પણ ચોંકી ગઈ. ઘરમાં લોહીના ખાબોચિયામાં નાનકડા બાળકનો મૃતદેહ પડ્યો હતો. તેના નાનકડા હાથની કૂણી-કૂણી આંગળીઓ તો ઉંદરોએ કોતરી જ નાખી હતી, પરંતુ હાડકાં પણ ચાવી ગયાં હતાં. બાળકના શરીર પર ૫૦થી વધુ ઘાનાં નિશાન હતાં. તેનું શરીર ૩૪.૧૭ ડિગ્રી સુધી ઠંડું થઈ ગયું હતું. ઘરમાં જ્યાંથી મૃતદેહ મળ્યો હતો એ જગ્યાએ ઘણો કચરો હતો અને ઉંદરની લિંડી પણ હતી. ચારેકોર દુર્ગંધ મારતી હતી. આ ઘરમાં બીજાં ૩ બાળક અને એક કૂતરો પણ હતાં. આ પહેલાં પણ બાળક પર ઉંદરોએ હુમલો કર્યો હતો ત્યારે ઇન્ડિયાનાના બાળ કલ્યાણ વિભાગે તેમને ચેતવ્યા હતા. બીજી વાર પણ આવી જ ઘટના બની એટલે દોષી ઠેરવાયેલા પિતા ડેવિડ શોનાબામને ૧૬ વર્ષની કેદની સજા કરવામાં આવી છે. માતા એન્જલ રિનીને ૨૪ ઑક્ટોબરે સજા સંભળાવાશે.