ન્યુ યૉર્કમાં દર ૨૪મી વ્યક્તિ કરોડપતિ છે

23 August, 2024 11:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કમાં ૬૦ સુપરરિચ લોકો પણ રહે છે અને ૧૦૦ મિલ્યન ડૉલરથી વધુની સંપત્તિ ધરાવતા ૭૪૪ લોકો પણ રહે છે.

ન્યુ યૉર્ક

અમેરિકાનું ન્યુ યૉર્ક શહેર ધનાઢ્યોની નગરી છે, કારણ કે અહીં દર ૨૪મી વ્યક્તિ કરોડપતિ છે. તાજેતરમાં જ એક એજન્સીએ ધનિક શહેરોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં જણાવ્યું છે કે ન્યુ યૉર્કમાં લગભગ ૩,૪૯,૫૦૦ કરોડપતિ લોકો રહે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં ૪૮ ટકા જેટલો વધારો થયો છે. શહેરની કુલ વસ્તી ૮૨ લાખ આસપાસ છે. એમાંથી દર ૨૪મી વ્યક્તિ કરોડપતિ છે. અહેવાલ તો એવું પણ કહે છે કે ન્યુ યૉર્કમાં ૬૦ સુપરરિચ લોકો પણ રહે છે અને ૧૦૦ મિલ્યન ડૉલરથી વધુની સંપત્તિ ધરાવતા ૭૪૪ લોકો પણ રહે છે.

ન્યુ યૉર્ક પછી બીજા ક્રમે સૅન ફ્રાન્સિસ્કોનો ખાડી વિસ્તાર છે. અહીં ૩,૦૫,૭૦૦ કરોડપતિ રહે છે અને એક દાયકામાં પાંચ ટકા કરોડપતિ ઘટી ગયા હોવા છતાં ૨,૯૮,૩૦૦ કરોડપતિ સાથે ટોક્યો ત્રીજા ક્રમે છે. ૨,૪૪,૮૦૦ કરોડપતિ સાથે સિંગાપોર ચોથા ક્રમે છે. છેલ્લા દસકામાં ભારતમાં બેગણા ધનિકો વધ્યા હોવા છતાં ટૉપ-૧૦માં ભારતનું એક પણ શહેર નથી. જોકે બૅન્ગલોરે કરોડપતિઓની સંખ્યામાં હરણફાળ ભરી છે. અહીં એક દસકામાં રોકાણયોગ્ય ધનિકોની સંખ્યા બેગણી થઈ છે. એવી જ રીતે લંડનમાં કરોડપતિઓની સંખ્યામાં એક દાયકામાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

offbeat news new york city new york world news life masala