14 January, 2023 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડની સ્કૂલે બાળકોને ભેટવા પર મૂક્યો પ્રતિબંધ
ઇંગ્લૅન્ડના એસેક્સની એક સ્કૂલે વિદ્યાર્થીઓ ભણતર પર ધ્યાન આપે તેમ જ એમની વચ્ચે રોમૅન્ટિક સંબધો ન સ્થપાય એ માટે ભેટવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચેમ્સફોર્ડમાં આવેલી હાઇલૅન્ડ્સ સ્કૂલના જણાવ્યા પ્રમાણે તેઓ વિદ્યાર્થીઓ વચ્ચે રોમૅન્ટિક સંબધોને મંજૂરી નહીં આપે. વળી શારીરિક સંપર્ક આગળ જતાં અયોગ્ય સ્પર્શ તરફ દોરી જાય છે. ઘણા પેરન્ટ્સે આ નીતિનો વિરોધ કર્યો છે પરંતુ સ્કૂલના જણાવ્યા પ્રમાણે એમને પેરન્ટ્સ તેમ જ સ્ટુડન્ટ્સ તરફથી આ મામલે સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. એક પેરન્ટે કહ્યું હતું કે એમની નવી નીતિ વિશે અગાઉ જણાવાયું નથી. સોમવારે જ એમનાં બાળકોએ એમને આ વિશે જણાવ્યું. વર્તમાન સમયમાં આ કેવી રીતે ચાલી શકે? એકબીજાને મારવું એને અયોગ્ય સ્પર્શ કહી શકાય પરંતુ એની સામે અલગ રીતે કાર્યવાહી કરી શકાય. તેઓ સ્ટુડન્ટ્સને યોગ્ય સંબધો વિશે નથી જણાવી રહ્યા. આ તો એક નિયમ થઈ ગયો કે કોઈને પણ અડી શકાય નહીં. જોકે બાળકોને ખબર નથી કે ક્યાં સ્પર્શને અયોગ્ય ગણવો. મારી દીકરી છે, જેના મિત્રો છે તેઓ એકબીજાને ભેટે છે. પરંતુ જો એમ નહીં થાય તો તેઓ સાવ એકલા પડી જશે. સ્કૂલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે કોઈ પણ જાતનો આક્રમક શારીરિક સંપર્ક, ભેટવું, હાથ મેળવવો, ઝાપટ મારવા જેવું સહન નહીં કરી શકાય. આ તમારા બાળકની સુરક્ષાને કારણે જ છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સ્કૂલમાં ભણવા પર ધ્યાન આપે. અન્ય કોઈ સબંધોને કારણે તેઓ વિચલિત ન થાય એવું અમે ઇચ્છીએ છીએ.