13 April, 2023 01:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
મંગળ પર રહેવા માટે તમે તૈયાર છો?
અબજોપતિ ઇલૉન મસ્ક તેમની આશાવાદી આગાહીઓ માટે જાણીતા છે. હવે તેમણે આગામી પાંચથી દસ વર્ષમાં માણસોને મંગળ ગ્રહ પર લઈ જવાનો સંકલ્પ કર્યો છે. સ્વાભાવિક રીતે એના પ્રત્યે બધાનું ધ્યાન ખેંચાયું છે. હવે તેમનું એ સપનું સાકાર થશે કે નહીં એ તો સમય જ કહેશે. જોકે આ મહિનાના અંતમાં આ સપનું સાકાર કરવાની દિશામાં પહેલું પગલું ભરવામાં આવશે કે જ્યારે આ ટેક બિલ્યનેરનું વિશાળ સ્પેસક્રાફ્ટ માણસોને લઈને ભ્રમણકક્ષા માટેની એની પહેલી ઉડાન શરૂ કરશે.
આ ઐતિહાસિક ઉડાન પહેલાં મસ્કના સ્પેસએક્સે એક નવો ઍનિમેશન વિડિયો રિલીઝ કરીને તેમના મંગલ મિશનની એક ઝલક આપી હતી. આ વિડિયોમાં લૉન્ચપૅડ પર સ્પેસક્રાફ્ટ જોવા મળ્યું હતું. એ સ્પેસમાં જાય છે અને એ પછી વિશાળ રૉકેટ બૂસ્ટરથી અલગ થઈ જાય છે, જે એને ભ્રમણ કક્ષામાં મોકલે છે. આ વિડિયોમાં સ્ટારશિપની નવ મહિનાની જર્નીને પ્રકાશવેગે બતાવવામાં આવી છે.
આ વિડિયોથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં અનેક વર્ષો બાદ અનેક સ્ટારશિપ વેહિકલ્સ મંગળ પર પહોંચશે. મંગળ પર એક વિશાળ ડોમમાં માનવ વસાહતની ઝલક પણ રજૂ કરવામાં આવી છે.
અત્યારે કોઈ પણ સ્પેસશિપ માણસોને મંગળ પર પહોંચાડવા માટે સક્ષમ નથી. જોકે આગળ જતાં સ્પેસક્રાફ્ટમાં ડેવલપમેન્ટ થતાં આ સ્થિતિ બદલાઈ શકે છે.