ઈલૉન મસ્ક બની ગયા વિશ્વના સૌથી ધનવાન : ૧ દિવસમાં વધી ૨૬.૫ બિલ્યન ડૉલર સંપત્તિ

24 November, 2024 05:47 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિની ખુરસી સુધી પહોંચાડવા માટે અબજોપતિ ઈલૉન મસ્કે તનતોડ નહીં, પણ ધનતોડ મહેનત કરી હતી અને હવે મસ્કને એ મહેનતનું વ્યાજ સાથે વળતર મળી ગયું છે

ઈલૉન મસ્ક

ડોનલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિની ખુરસી સુધી પહોંચાડવા માટે અબજોપતિ ઈલૉન મસ્કે તનતોડ નહીં, પણ ધનતોડ મહેનત કરી હતી અને હવે મસ્કને એ મહેનતનું વ્યાજ સાથે વળતર મળી ગયું છે. ટેસ્લા, સ્પેસઍક્સ, ઍક્સએઆઇ, ઍક્સ વગેરેના માલિક ઈલૉન મસ્ક વિશ્વના સૌથી ધનપતિ બની ગયા છે. ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નો હવાલો સોંપ્યો છે. આમ મસ્કનું રાજકીય પ્રભુત્વ વધવાને કારણે તેમની તમામ કંપનીઓ બજારમાં પૂરપાટ ઘોડાની જેમ દોડી રહી છે. બુધવારના એક જ દિવસમાં મસ્કની નેટવર્થમાં ૨૬.૫ બિલ્યન ડૉલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના મતે બાવીસ નવેમ્બરના રિપોર્ટ પ્રમાણે મસ્કની કુલ સંપત્તિ ૩૪૦ બિલ્યન ડૉલર કરતાં પણ વધી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં મસ્કની કુલ સંપત્તિ ૩૨૧.૭ બિલ્યન ડૉલરના રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. અમેરિકામાં ચૂંટણી પૂરી થયા પછી મસ્કની કુલ સંપત્તિમાં અપેક્ષા પ્રમાણે ૮૩ બિલ્યન ડૉલરનો વધારો થયો હતો. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના મતે મસ્કની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ઍક્સએઆઇનું વૅલ્યુએશન તાજેતરનાં અઠવાડિયાંમાં વધીને પચાસ બિલ્યન ડૉલર થયું છે. એ કંપનીમાં મસ્કનો હિસ્સો ૬૦ ટકા છે એટલે એની સંપત્તિમાં ૧૩ અબજ ડૉલર કરતાં પણ વધુ વધારો થયો છે.

elon musk donald trump washington political news international news news world news offbeat news