31 March, 2025 09:01 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
રામલાલ વૃદ્ધાશ્રમ
ઉત્તર પ્રદેશના આગરાના રામલાલ વૃદ્ધાશ્રમમાં બે વડીલો વચ્ચે પ્રેમની કૂંપળ ફૂટતાં સામાન્ય રીતે શાંત રહેતો વૃદ્ધાશ્રમ શરણાઈના સૂરથી ગુંજી ઊઠ્યો હતો. ૬૬ વર્ષના મુન્નાલાલ અને ૫૭ વર્ષનાં પરમિલાની મુલાકાત ૬ મહિના પહેલાં આ જ વૃદ્ધાશ્રમમાં થઈ હતી. મુન્નાલાલ તેમનાં ૯૦ વર્ષનાં મમ્મી સાથે વૃદ્ધાશ્રમમાં રહે છે અને પરમિલાના પતિના મૃત્યુ બાદ તેનાં સંતાનો તેમને આશ્રમમાં છોડી ગયાં છે. ધીરે-ધીરે તેમની વચ્ચે સુખદુઃખની વાતોનું શૅરિંગ વધતાં બેઉ વચ્ચે પ્રેમ પાંગર્યો અને બન્નેએ એકમેકનો સહારો બનવાનું નક્કી કર્યું. તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકને પત્ર લખીને લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી. સંચાલકે તેમનાં લગ્ન કરાવી આપવાનું નક્કી કરતાં વૃદ્ધાશ્રમમાં જ તેમનાં લગ્નનું આયોજન થયું. મુન્નાલાલની મા સહિત આશ્રમમાં રહેતા ૩૪૧ વડીલો આ લગ્નમાં સામેલ થયાં. હલદી, મેંદી અને અન્ય રસમો પણ ધામધૂમથી મનાવવામાં આવી. ગુરુવારે તેમનાં લગ્ન રંગેચંગે થઈ ગયાં. આ ઘટના પછી આશ્રમના વડીલોનો જુસ્સો કંઈક અલગ જ છે. તેમનું કહેવું છે કે પરિવાર અમને છોડી દે તો અમે કેમ અમારો નવો પરિવાર ન બનાવી શકીએ?