જોઈ લો ચાર ડબલ-ડેકર બસ જેટલી ૧૮૦ ફીટ લાંબી સાઇકલ

29 June, 2024 10:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ આઇકૉનિક સાઇકલ હવે પ્રિન્સેનબીક લોકલ હિસ્ટરી મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

એન્જિનિયરો

નેધરલૅન્ડ્સના આઠ એન્જિનિયરોએ વિશ્વની સૌથી લાંબી બાઇસિકલ બનાવીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સાઇકલ ૧૮૦ ફીટ ૧૧ ઇંચ એટલે કે બે બ્લુ વ્હેલ કે ચાર ડબલ-ડેકર બસ ભેગી કરીએ એટલી લાંબી છે. દૂર-દૂર સુધી જોઈ શકાય એવી આ સાઇકલ માત્ર શોભા માટે નથી, એ સામાન્ય સાઇકલની જેમ ચાલે પણ છે. અગાઉ આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાની વ્યક્તિના નામે હતો જેણે ૨૦૨૦માં ૧૫૫ ફીટ ૮ ઇંચ લંબાઈ ધરાવતી બાઇસિકલ બનાવી હતી.

લેટેસ્ટ રેકૉર્ડ બનાવનારા નેધરલૅન્ડ્સના એન્જિનિયરોએ ઘણાં વર્ષોના પ્રયાસ બાદ આ અકલ્પનીય બાઇક બનાવી છે. આ ટીમનું નેતૃત્વ ૩૯ વર્ષના ઇવાન શાલ્કે કર્યું છે. રસપ્રદ વાત એ છે કે ઇવાન બાળપણથી જ આ રેકૉર્ડ બનાવવા માગતો હતો. આ સાઇકલના ફ્રન્ટ અને રિયર પાર્ટ્સ ઇન-હાઉસ તૈયાર થયા હતા, જ્યારે વચ્ચેનું લાંબું સ્ટીલ સ્ટ્રક્ચર બહારથી ખરીદવામાં આવ્યું હતું. એક વ્યક્તિએ સાઇકલની આગળ સ્ટિયરિંગ પર અને બીજી વ્યક્તિએ પાછળ પેડલિંગ કરીને ૧૦૦ મીટરનું અંતર કાપ્યું હતું અને આ રેકૉર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ચાર રાઇડરે પેડલિંગ કરીને સૌથી લાંબી ટેન્ડમ સાઇકલનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. આ આઇકૉનિક સાઇકલ હવે પ્રિન્સેનબીક લોકલ હિસ્ટરી મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

offbeat news netherlands guinness book of world records