05 March, 2025 02:24 PM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
દહેજમાં લીધા ૧૧,૦૦૦ રોપા, ફૂલોથી સજાવેલી બળદગાડીમાં દુલ્હનની વિદાય
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રઈસપુરમાં રહેતા સુરવિંદર કિસાનનાં લગ્ન પ્રિયા ચૌધરી સાથે સામૂહિક લગ્નમહોત્સવમાં સંપન્ન થયાં હતાં. આ લગ્નમાં દેખાડાને બદલે સાદગી ઊડીને આંખે વળગતી હતી. દુલ્હનની વિદાય આલીશાન કારમાં નહીં પણ ફૂલોથી સજાવેલી બળદગાડીમાં કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઈને જૂના સમયની યાદ આવી ગઈ જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ પુનર્જીવિત થયેલી દેખાતી હતી.
આ લગ્નસમારોહ માત્ર વિવાહનો એક રિવાજ નહોતો, એના દ્વારા સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં પર્યાવરણપ્રેમીઓ, રાજકીય લોકો અને સમાજના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. લગ્નમાં દહેજ તરીકે મોંઘી જ્વેલરી કે ગિફ્ટની જગ્યાએ ૧૧,૦૦૦ રોપા લેવામાં આવ્યા હતા. આ પહેલ પર્યાવરણ-સંરક્ષણની દિશામાં એક મિસાલ બની હતી. આ લગ્નમાં પ્લાસ્ટિકનો વપરાશ કરાયો નહોતો અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા નહોતા. તમામ મહેમાનોને ગિફ્ટરૂપે રોપા આપવામાં આવ્યા હતા.