11 April, 2023 11:31 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ
પ્રત્યેક કારની નંબર-પ્લેટ હોય છે અને એ વાહનની આગવી ઓળખ હોય છે. ભારતમાં આરટીઓ વાહનને લાઇસન્સ્ડ નંબર-પ્લેટ ઇશ્યુ કરે છે. સામાન્ય રીતે લાઇસન્સ્ડ નંબર-પ્લેટ માટે ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે અને એમાં પણ જો ચોક્કસ નંબર ધરાવતી નંબર-પ્લેટ ખરીદવી હોય તો એની વધુ કિંમત ચૂકવવી પડે છે, પણ ક્યારેય કોઈ કારની નંબર-પ્લેટ માટે ૧૨૨.૬ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવ્યાનું સાંભળ્યું છે?
વાસ્તવમાં મોટા ભાગે વિશિષ્ટ નંબરની લિલામી દુબઈમાં જ થાય છે. તાજેતરમાં થયેલા એક ઑક્શનમાં પી૭ લાઇસન્સ પ્લેટની કિંમત કરોડોમાં અંકાઈ હતી. આ લાઇસન્સ પ્લેટની કિંમત એટલી વધુ હતી કે એમાં મુંબઈની આસપાસના વિસ્તારોમાં મોંઘા ફ્લૅટ ખરીદી શકાય.
વીઆઇપી કારની નંબર-પ્લેટ પી૭ ૫૫૦ લાખ દિરહામમાં વેચાઈ હતી, જેની કિંમત રૂપિયામાં લગભગ ૧૨૨.૬ કરોડ જેટલી થાય છે. આ નંબર-પ્લેટે વિશ્વની સૌથી ઊંચી કિંમતે વેચાવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. નંબર-પ્લેટ ખરીદનાર વ્યક્તિ ગુમનામ રહ્યો છે, જ્યારે હરાજીમાં મળેલી રકમ સીધી ‘વન બિલ્યન્સ મીલ્સ એન્ડોવમેન્ટ’ ઝુંબેશને ટેકો આપવા માટે ફાળવવામાં આવશે.