૯ ફુટ ઊંચી રેકૉર્ડ હેરસ્ટાઇલ, જાણે માથા પર ક્રિસમસ ટ્રી

21 December, 2022 12:15 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના જણાવ્યા પ્રમાણે હિસ્વાની ૭ વર્ષ પહેલાં ફૅશન ઉદ્યોગમાં આવ્યો હતો

હિસ્વાનીએ આ વર્ષે ૧૬ સપ્ટેમ્બરે દુબઈમાં એક યુવતીને ૯ ફુટ ૬.૫ ઇંચ ઊંચાઈવાળી ક્રિસમસ ટ્રીના આકારની હેરસ્ટાઇલ કરી આપી હતી

નવી-નવી હેરસ્ટાઇલ કરવાનું સૌને ગમે છે. હેરસ્ટાઇલિસ્ટ દાની હિસ્વાનીએ તાજેતરમાં સૌથી ઊંચા હેરસ્ટાઇલ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. હિસ્વાનીએ આ વર્ષે ૧૬ સપ્ટેમ્બરે દુબઈમાં એક યુવતીને ૯ ફુટ ૬.૫ ઇંચ ઊંચાઈવાળી ક્રિસમસ ટ્રીના આકારની હેરસ્ટાઇલ કરી આપી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એનો વિડિયો પણ શૅર કર્યો હતો, જેમાં એક યુવતીએ એક હેલ્મેટ પહેરી હતી, જેમાં ઉપરની તરફ ત્રણ સળિયા હતા. ક્રિસમસ ટ્રી જેવો આકાર આપવા માટે વિગ અને હેર-એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રિસમસ ડેકોરેશન લાગે એ માટે નાના બોલ્સ પણ લગાવ્યા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના જણાવ્યા પ્રમાણે હિસ્વાની ૭ વર્ષ પહેલાં ફૅશન ઉદ્યોગમાં આવ્યો હતો, જેમાં તેણે તેની પ્રતિભા વિવિધ હેરસ્ટાઇલ દ્વારા દેખાડી હતી. તેના મતે હેરસ્ટાઇલિંગ માત્ર સર્વિસ નથી, એક કળા છે. આ અગાઉ પણ તેણે યુવતીના માથા પર નાનકડું ક્રિસમસ ટ્રી બનાવ્યું હતું. તેની ઇચ્છા નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાની હતી, જે તેણે કરી બતાવ્યું. એક યુઝરે કહ્યું કે આ કોઈ હેરસ્ટાઇલ નહીં, હૅટ જેવું વધુ લાગે છે.

offbeat news christmas international news dubai