ડેન્ટિસ્ટમાંથી IPS બની છે પંજાબની ડૉ. નવજોત સિમી

26 May, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉ. સિમીએ કહ્યું હતું કે શરૂઆતથી જ મને સિવિલ સર્વિસિસમાં જોડાવાની ઇચ્છા હતી

ડૉ. નવજોત સિમી

ડેન્ટિસ્ટ તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરીને લોકોના દાંતનાં દર્દને દૂર કરતી ડૉક્ટર જ્યારે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર બનવાનું વિચારે ત્યારે ખરેખર વિચાર થાય કે તેણે આવું કરવું જોઈએ કે નહીં, પણ પંજાબની ડૉ. નવજોત સિમીએ આવું કર્યું છે. તે હાલમાં દેશમાં સૌથી વધુ લોકપ્રિય સિવિલ સર્વન્ટ છે અને ડિજિટલ સ્પેસમાં પણ તે ખાસ્સી પૉપ્યુલર છે. જો કંઈ કરવાનું મનમાં નક્કી કરો તો એ હાંસલ કરી શકાય છે એનું જીવતુંજાગતું ઉદાહરણ ડૉ. નવજોત છે. તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ ઘણી રોચક છે.

૧૯૮૭ની ૨૧ ડિસેમ્બરે પંજાબના ગુરદાસપુરમાં જન્મેલી નવજોતે બૅચલર ઑફ ડેન્ટલ સાયન્સ (BDS)નો અભ્યાસ કર્યો હતો. તેણે ૨૦૧૬માં IPS બનવાનું નક્કી કર્યું. પહેલી વાર પરીક્ષા આપી ત્યારે તે ઇન્ટરવ્યુ લેવલ સુધી પહોંચી, પણ ફાઇનલમાં તેની પસંદગી ન થઈ. ૨૦૧૭માં તે સિલેક્ટ થઈ ગઈ, ૭૩૫મી રૅન્ક સાથે તેને બિહાર કેડર મળી અને હવે તે IPS ઑફિસર છે. ૨૦૨૦ની ફેબ્રુઆરીમાં તેણે IAS તુષાર સિંગલા સાથે લગ્ન કર્યાં છે.

IPS પ્રોબેશનર્સ સાથે વાતચીત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવજોત સિમીને સવાલ કર્યો કે લોકોના દાંતનાં દર્દ દૂર કરવાની જવાબદારી તમારી હતી, તો તમને દેશના દુશ્મનોના દાંત ખાટા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ સવાલના જવાબમાં ડૉ. સિમીએ કહ્યું હતું કે શરૂઆતથી જ મને સિવિલ સર્વિસિસમાં જોડાવાની ઇચ્છા હતી. પોલીસ હોય કે ડૉક્ટર, બેઉનું કામ લોકોનાં દર્દ દૂર કરવાનું છે. આ જવાબ સાંભળીને મોદી ખુશ થયા હતા.

offbeat news national news punjab narendra modi