અમદાવાદના ડૉક્ટર પિતા અને એન્જિનિયર પુત્રની જોડી ‘ધોળા દિવસે તારા બતાવી’ને કરે છે રતાંધળાપણાનું નિદાન

30 March, 2024 03:29 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

સામાન્ય રીતે નાઇટ વિઝનની તકલીફની તપાસ બ્લડ-ટેસ્ટથી થાય છે, પરંતુ બ્લડ-સૅમ્પલ લીધા વગર ટેસ્ટ થઈ શકે એ માટે શોધાઈ નવી ટેક્નિક

ધોળા દિવસે તારા બતાવી’ને રતાંધળાપણાનું નિદાન

સામાન્ય રીતે રતાંધળાપણાની તપાસ બ્લડ-ટેસ્ટથી થાય છે, પરંતુ હવે એને માટે નવી ટેક્નિક શોધાઈ છે. અમદાવાદના ડૉક્ટર પિતા ડૉ. રાજેશ મહેતા અને એન્જિનિયર પુત્ર પૂર્ણ મહેતાએ નાઇટ બ્લાઇન્ડનેસ ડિટેક્ટર મશીન વિકસાવ્યું છે અને એનાથી ‘ધોળા દિવસે તારા બતાવી’ને રતાંધળાપણાનું નિદાન કરવામાં આવે છે.

અમદાવાદ સ્થિત સોલા સિવિલ હૉસ્પિટલના ભૂતપૂર્વ ડીન ડૉ. રાજેશ મહેતાએ કહ્યું હતું કે ‘પહેલી વાર બ્લડ-સૅમ્પલ લીધા વગર રતાંધળાપણાનું નિદાન થઈ શકે એવું મશીન બનાવ્યું છે અને ભારત સહિત ૭ દેશોમાં પેટન્ટ મેળવવા માટે અરજી કરી છે. રતાંધળાપણાના મોટા ભાગના કેસ વિટામિન-એની ઊણપને કારણે જોવા મળે છે. સામાન્ય રીતે રતાંધળાપણાનું નિદાન બ્લડ-ટેસ્ટથી થાય છે તથા એને માટે બહુ ઓછી લૅબોરેટરી કામ કરે છે અને એમાં તપાસનો ખર્ચ પણ થાય છે ત્યારે નજીવા ખર્ચમાં આ ટેસ્ટ થઈ શકે અને બ્લડ-સૅમ્પલ પણ ન લેવું પડે એ માટે મારા પુત્ર સાથે મળીને ટેક્નિક શોધીને આ મશીન બનાવ્યું છે. રતાંધળાપણાની તપાસ માટે જે-તે વ્યક્તિ આ મશીન પર એક આંખ મૂકીને અંદર જુએ છે. મશીનની અંદર અંધારું હોય છે અને એમાં ધીરે-ધીરે લાઇટ વધારતા જઇએ છીએ. જો વ્યક્તિને ૨૦૦ મિલી લક્ષથી વધુ લાઇટની જરૂર પડે તો તેને રતાંધળાપણું છે એવું નિદાન થાય છે. આવી વ્યક્તિને વિટામિન-એની ટૅબ્લેટ આપીને ખામી દૂર કરી શકાય છે.’

પૂર્ણ મહેતાએ કહ્યું કે ‘મારા પિતાજી છેલ્લા ઘણા સમયથી આ સબ્જેક્ટ પર કામ કરી રહ્યા હતા. પહેલાં અમે સાદું મશીન બનાવ્યું હતું, જેમાં સ્લાઇડની મદદથી લાઇટ ઓછી-વધતી કરતા. એ પછી વૉલ્યુમ કન્ટ્રોલથી લાઇટ ઓછી-વધતી થાય એ રીતે ઇલેક્ટ્રિક મશીન બનાવ્યું અને એ પછી આ લેટેસ્ટ મશીન બનાવ્યું છે જેમાં લક્ષ મીટર મૂક્યું છે. દોઢ ફુટનું આ મશીન ભૂંગળા આકારનું છે અને એમાં અંધારું હોય છે. તપાસ કરવા આવનાર વ્યક્તિની એક આંખ મશીન પર મૂકીને ટેસ્ટ કરવામાં આવે છે.’

offbeat news gujarat news ahmedabad