13 April, 2024 01:04 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ધોનીના ફૅને દીકરીઓની સ્કૂલ-ફીના પૈસામાંથી મૅચની ટિકિટો ૬૪,૦૦૦ રૂપિયામાં ખરીદી
સચિન તેન્ડુલકર પછી મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટપ્રેમીઓમાં સૌથી મોટો સ્ટાર છે એનો વધુ એક પુરાવો હાલમાં મળ્યો હતો. હાલમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સની વન-સાઇડેડ મૅચ જોવા માટે એક ક્રિકેટપ્રેમી પોતાની ત્રણ દીકરીઓ સાથે આવ્યો હતો. એક સ્પોર્ટ્સ વેબસાઇટે મૅચ પછી આ ફૅનનો ઇન્ટરવ્યુ કર્યો હતો જેમાં તેની આશ્ચર્યજનક સ્ટોરી જાણવા મળી હતી. આ ચાહક ધોનીનો મોટો ફૅન છે. ધોનીની એક ઝલક માટે તેણે ટિકિટ ખરીદવા પાછળ ૬૪,૦૦૦ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘મને ટિકિટ મળતી નહોતી એટલે નાછૂટકે મારે બ્લૅકમાં ખરીદવી પડી હતી. મારે હજી દીકરીઓની સ્કૂલ-ફી ભરવાની બાકી છે, પણ હું ધોનીને જોવા માગતો હતો. મારી ત્રણ દીકરીઓ અને હું હવે અત્યંત ખુશ છીએ.’
બાદમાં આ ધોની-ફૅનની એક દીકરીએ કહ્યું કે ટિકિટ મેળવવા માટે પપ્પાએ ઘણી મહેનત કરી હતી. જ્યારે ધોની રમવા આવ્યો ત્યારે અમે બધાં અત્યંત ખુશ થયાં હતાં.