બંગલાદેશમાં ‘ડેવિલ્સ બ્રેથ’નો આતંક : નશીલી દવા સૂંઘીને લોકો પોતાનાં ઘરેણાં ઉતારીને આપી રહ્યા છે

13 May, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેવિલ્સ બ્રેથ વ્યક્તિના શ્વાસ સાથે ભળે એટલે ૧૦ મિનિટમાં જ તે અસર બતાવવાનું શરૂ કરી દે છે.

પ્રતીકાત્મક તસવીર

બંગલાદેશમાં લોકો ‘ડેવિલ્સ બ્રેથ’ નામથી એટલા ફફડી ગયા છે કે તેમને પોતાનાં ઘરેણાં અને પૈસા ગુમાવવાનો ડર લાગ્યા કરે છે. ડેવિલ્સ બ્રેથ એટલે કે સ્કોપોલામાઇન નામની નશીલી દવા સૂંઘવાથી વ્યક્તિનું મગજ કાબૂમાં રહેતું નથી. આ દવા લિક્વિડ અને પાઉડર બન્ને સ્વરૂપે મળે છે અને એને તૈયાર કરવા માટેનો મૂળભૂત ઘટક ધતુરાનાં ફૂલમાંથી મળે છે. ધતુરાનું ફૂલ એક પ્રકારનું ઝેર છે જેનો અમુક ભાગ કાઢીને નશીલી દવા બનાવવામાં આવે છે. આમ તો સ્કોપોલામાઇન દવાનો ઉપયોગ ઊબકા, મોશન સિકનેસ દૂર કરવા માટે થાય છે, પણ ગુનેગારોને જાણે આનાથી છેતરપિંડી કરવાનું નવું સાધન મળી ગયું છે. તેઓ એ દવા કાગળ, કપડા, હાથ કે મોબાઇલની સ્ક્રીન પર લગાવીને કોઈને પણ ભ્રમિત કરી શકે છે. ડેવિલ્સ બ્રેથ વ્યક્તિના શ્વાસ સાથે ભળે એટલે ૧૦ મિનિટમાં જ તે અસર બતાવવાનું શરૂ કરી દે છે. અમુક લોકોને સ્થિર અવસ્થામાં પાછા આવતાં એક કલાક અને અમુક લોકોને ત્રણ-ચાર કલાક લાગી જાય છે.

offbeat videos offbeat news social media bangladesh