ટીનેજમાં મેદસ્વિતાથી જ નહીં, વારંવાર વજન માપવાથીયે ડિપ્રેશન આવી જાય

29 August, 2024 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજ દરમ્યાન પોતાના ફિગર બાબતે વધુપડતી કૉન્શિયસ છોકરીઓમાં આવું કરવાથી પોતાના માટેનું આત્મગૌરવ ઘટે છે અને તેમને ડિપ્રેશન આવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

વજન ઘટાડવા માટે ડેસ્પરેટ લોકોને જો રોજેરોજ વજન માપવાની આદત હોય તો એનાથી વજન ઘટવામાં તો મુશ્કેલી આવે જ છે અને સાથે ડિપ્રેશનનું જોખમ પણ રહે છે. રોજ ખાધા પછી અથવા તો ભોજન સ્કિપ કર્યા પછી કેટલું વજન ઘટ્યું કે વધ્યું એ તપાસવામાં વ્યસ્ત લોકોને ડિપ્રેશનનું જોખમ બમણું હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિનેસોટાના રિસર્ચરોનું કહેવું છે કે પુખ્તાવસ્થામાં વજન ​પર નિયંત્રણ રાખવા ઇચ્છતા લોકો નિયમિત સમયાંતરે વજન માપતા રહે એ સારું છે, પણ કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં એ નુકસાનકારક નીવડી શકે છે.

ટીનેજ દરમ્યાન પોતાના ફિગર બાબતે વધુપડતી કૉન્શિયસ છોકરીઓમાં આવું કરવાથી પોતાના માટેનું આત્મગૌરવ ઘટે છે અને તેમને ડિપ્રેશન આવી શકે છે. રિસર્ચરોએ ૧૯૦૦ ટીનેજર્સ અને યંગસ્ટર્સની ખાવાપીવાની આદત અને પ્રવૃત્તિ કેટલી છે એ તપાસ્યું હતું. તેમના વજન માટે તેઓ કેટલાં સભાન છે અને એને જાળવવા માટે તેઓ શું પ્રયત્ન કરે છે એ પણ તેમણે તપાસ્યું હતું. તમામ ડેટાના વિશ્લેષણ પછી રિસર્ચરોએ નોંધ્યું હતું કે કિશોરાવસ્થામાં વજન વધારે હોય એવી વ્યક્તિઓ જો જાતે રોજ વજન માપ્યા કરતી હોય તો એ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક નીવડે છે. અત્યંત કઠોર વેઇટ-કન્ટ્રોલ રાખવા જતાં કેટલેક અંશે ટીનેજર્સ અતિશય સેલ્ફ-કૉન્શિયસ થઈ જાય છે અને વધેલા વજન માટે અથવા તો વજન ઘટી ન શકતું હોવાથી હીણપત અનુભવે છે અને એ સ્ટ્રેસ અને નકારાત્મકતા તેમને હતાશા તરફ દોરી જાય છે.

news india health tips mental health offbeat news